ભારતનું દૂતાવાસ પાવરફૂલ છે, રશિયામાં ફસાયેલા નેપાળના નાગરિકોએ ભારતની મદદ માંગી
મોસ્કો, તા. 12 માર્ચ 2024
રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ નેપાળ પાછા ફરવા માટે હવે પોતાની સરકારની જગ્યાએ ભારતની મદદ માંગી છે.
ભારતના પણ કેટલાક નાગરિકો રશિયામાં ફસાયેલા છે અને તેની વચ્ચે નેપાળના નાગરિકો પણ હવે ભારત તરફ આશાભરી નજર માંડીને બેઠા છે. નેપાળના પણ સેંકડો નાગરિકોને ગેરમાર્ગે દોરીને રશિયામાં લાવવામાં આવ્યા હતા અને હવે તેમને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. નેપાળના કહેવા પ્રમાણે છ નાગરિકોના મોત થયા છે. જોકે નેપાળ સરકાર હજી સુધી પોતાના નાગરિકોને પાછા બોલાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે રશિયાથી ઘરે પાછા ફરવા માંગતા નેપાળી નાગરિકોએ ભારત પાસે સહાય માંગી છે.
એક વીડિયોમાં નેપાળનો નાગરિક કહે છે કે, ‘અમને અહીંયા દગાખોરીથી લાવવામાં આવ્યા છે. અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે, તમારે હેલ્પરનુ કામ કરવાનું છે પણ હવે અમને મોરચા પર બળજબરીથી લડવા માટે મોકલવામાં આવ્યા છે. નેપાળ દૂતાવાસ અમારી મદદ નથી કરતું. ભારતનું દૂતાવાસ પાવરફૂલ છે અને અમને આશા છે કે ભારત અમારી મદદ કરશે. અમારી સાથે ત્રણ ભારતીય નાગરિક પણ હતા અને તેમને અહીંથી સહી સલામત કાઢી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના કેટલાક નાગરિકોને પણ એજન્ટો આ જ રીતે દગાખોરીથી રશિયામાં હેલ્પર તરીકે કામ કરવાની લાલચ આપીને લઈ ગયા હતા. અને તેમને રશિયાની સેના સાથે યુક્રેન સામે લડવા મજબૂર કરાયા. આ દરમિયાન હૈદરાબાદના એક યુવકનુ મોત પણ થયું હતું.