નેપાળમાં ફરી બબાલ, દેશને હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી જાહેર કરવા હજારો સમર્થકો PM આવાસ પહોંચ્યા
Nepal Protest : નેપાળમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ ફરી વિરોધ શરૂ કરી દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તેમજ રાજાના હાથમાં સોંપવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રાજાશાહીના રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)ના હજારો નેતાઓ અને કાર્યકર્તાઓ આજે (20 એપ્રિલ) વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થા અને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેખાવો સાથે રેલી કાઢી હતી. સમર્થકો દેશને રાજાશાહીના હાથમાં સોંપવા તેમજ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે.
દેખાવકારોનો સૂત્રોચ્ચાર
આરપીપી પાર્ટીના અધ્યક્ષના નેતૃત્વ હેઠળ યોજાયેલા દેખાવોમાં લગભગ 1500 દેખાવકારો બિજુલીબાજાર-બાનેશ્વર વિસ્તારમાં એકત્ર થયા હતા અને ‘ગણતંત્ર વ્યવસ્થા મુર્દાબાદ, અમને રાજાશાહી પાછી જોઈએ, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો, જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
દેખાવકારોની સરકારને ચેતવણી
પાર્ટીના અધ્યક્ષ રાજેન્દ્ર, વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ધ્રુબ બહાદુર પ્રધા સહિત અન્ય લોકોએ પણ દેખાવો અને રેલીઓમાં જોડાયા હતા. દેખાવકારોએ ચીમકી આપી છે કે, તેઓ સરકારના આદેશની અવગણના કરશે અને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરશે.
અગાઉ પણ માંગ સાથે દેખાવો અને હિંસા થઈ હતી
આ પહેલા 28 માર્ચની સવારે કાઠમાંડૂના તિનકૂને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રેલી શરૂ થઈ હતી. આ રેલી સંસદ ભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. 2008માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માગ સાથે નીકળેલી આ રેલી અચાનક હિંસક બની હતી. સમર્થકોએ અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી હતી. આ દરમિયાન હજારો લોકોએ દેખાવો કર્યા હતા. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કર્યો હતો. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. આ ઘર્ષણમાં બેનાં મોત જ્યારે 30ને ઇજા થઈ હતી.
પૂર્વ રાજાની તસવીર સાથે દેખાવો કર્યા હતા
હજારો પ્રદર્શનકારીઓએ નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને પૂર્વ રાજા ગ્યાનેંદ્ર શાહની તસવીર સાથે સાથે રાજા આવો દેશ બચાવો, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, હમે રાજાશાહી વાપસ ચાહીએ જેવા નારા લગાવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ હિંસા ભડકાવનારા અનેક લોકોની અટકાયત કરાઇ હતી, જ્યારે કરફ્યૂના ઉલ્લંઘન બદલ અનેક યુવાઓની ધરપકડ પણ કરાઇ હતી.
નેપાળમાં 2008થી રાજાશાહી ખતમ થઈ ગઈ
વર્ષ 2008માં નેપાળ સરકારે સંસદમાં કાયદો પસાર કરીને રાજાશાહીને ખતમ કરી નાખી હતી. જેને પગલે નેપાળ ભારતની જેમ એક લોકશાહી શાસનવાળો દેશ બની ગયો હતો. એવામાં હવે હાલની સરકારના ભ્રષ્ટાચાર અને નપળા શાસનને કારણે ફરી રાજાશાહીની માગણી તિવ્ર બની છે. નેપાળમાં વર્ષ 2008થી અત્યાર સુધી 13 વખત સરકારો બદલાઇ ચુકી છે, વારંવાર સરકારો બદલાવી અને ભ્રષ્ટાચાર, નબળી આર્થિક સ્થિતિ, બેરોજગારી, ગરીબી આ બધી બાબતોને કારણે જનતાનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને તેથી રાજાશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન હવે હિંસક સ્વરુપ લઇ ચુક્યું છે.