નેપાળમાં વરસાદનું તાંડવ, ભૂસ્ખલન-પૂરમાં 14નાં મોત, અનેક લોકો થયા બેઘર
Nepal Monsoon: નેપાળમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે 14ના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નેપાળમાં ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRMA) તરફથી મળેલી માહિતી અનુસાર, 14 લોકોમાંથી 8 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચ લોકો વીજળી પડવાથી અને એક વ્યક્તિનું પૂરના કારણે મૃત્યુ થયું હતું.
એનડીઆરએમએના પ્રવક્તા દીજન ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે, '26મી જૂને કુલ 44 ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં હજુ બે લોકો લાપતા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.' નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર, દેશમાં ચોમાસું સક્રિય થયા બાદ 33 જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાં ભૂસ્ખલન અને પૂરની 147 ઘટનાઓ નોંધાઈ છે.
આ પણ વાંચો: 450 લોકોનાં મોત, 4 દિવસમાં પાકિસ્તાનમાં મચી ગયો હાહાકાર, કંગાળી વચ્ચે હીટવેવ આફત બની
નેપાળના ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર, છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે 14 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર નેપાળ પહોંચી ગયું છે અને દેશમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક પણ ઘણો ઊંચો છે.
નેપાળમાં દર વર્ષે હજારો લોકો ભૂસ્ખલન અને પૂરથી પ્રભાવિત થાય છે. નેપાળમાં ચોમાસું 13 જૂનથી શરૂ થાય છે અને લગભગ ત્રણ મહિના સુધી સક્રિય રહે છે. આ કિસ્સામાં તે 23મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. ગયા વર્ષે, તે સામાન્ય શરૂઆતના દિવસથી એક દિવસ મોડું એટલે કે 14મી જૂને શરૂ થયું હતું.