ભારતને દોષ આપવાની જરૂર નથી, આપણે જ આપણા પગ પર કુહાડી મારી છેઃ નવાઝ શરીફ
image : Twitter
લાહોર,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
ઘરવાપસી બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સતત ભારત સાથેના સબંધો સુધારવા પર ભાર મુકી રહ્યા છે.
તેમણે ફરી કહ્યુ છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા આર્થિક સંકટ માટે ના તો ભારત જવાબદાર છે કે ના તો અમેરિકા. આપણે જ આપણા પગ પર કુહાડી મારી છે.
નવાઝ શરીફે પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ વતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, આજે પાકિસ્તાનની ઈકોનોમી જે સ્થઇતિમાં છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. હકીકત તો એ છે કે, આપણે જ આપણા પગર પર કુહાડી મારી છે. પાકિસ્તાની સેનાએ 2018માં થયેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરીને દેશ પર એક એવી સરકાર થોપી હતી, જેના કારણે દેશની જનતા તો પરેશાન થઈ જ પણ પાકિસ્તાનની ઈકોનોમી પણ બરબાદ થઈ.
તેમણે સૈન્યની તાનાશાહીને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા બદલ દેશના જજોની પણ ટીકા કરતા કહ્યટુ હતુ કે, જ્યારે સેનાના અધિકારીઓ બંધારણનો ભંગ કરે છે ત્યારે ન્યાયાધીશો તેમને માળા પહેરાવે છે અને તેમના નિર્ણયોને યોગ્ય ઠેરવે છે. જ્યારે વડાપ્રધાનની વાત આવે છે ત્યારે આ જ ન્યાયાધીશો તેમને ખુરશી પરથી હટાવવા માટેના ચુકાદા આપે છે. ન્યાયાધીશ સંસદ ભંગ કરવાના નિર્ણયને મંજૂરી આપે છે. . . આવુ કેમ થઈ રહ્યુ છે તે સવાલ હવે ઉઠાવવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ પાકિસ્તાનની આગામી ચૂંટણીમાં ઝુકાવશે અને જો તેઓ જીતશે તો ચોથી વખત દેશના વડાપ્રધાન બનશે. આ પહેલા તે 1993, 1999 અને 2017માં પાકિસ્તાનના વડાપ્રધાન બની ચુકયા છે.