હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ચાર મંદિરો પર હુમલો, 400 ભારતીય ટ્રકો પણ ફસાઈ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરુ આંદોલનમાં હિંસક ટોળાએ ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર અને ઢાકામાં ચાર હિન્દુ મંદિરો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે. વડાપ્રધાન હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદની સ્થિતિને લઈને હિન્દુ સમુદાયના લોકોમાં ભય છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઘટના સામે આવી નથી. ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવેલા ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન માર્ચ 2010માં કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર યોગ, હિન્દી, ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય નૃત્ય કળા વિશે માહિતી અને તાલીમ આપે છે. આ કેન્દ્રની લાઇબ્રેરીમાં ભારત સંબંધિત 21 હજાર પુસ્તકોનો સંગ્રહ પણ છે.
બાંગ્લાદેશમાં 300 ભારતીય ટ્રક ફસાયા
બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓને જોતા સોમવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પરથી સુરક્ષા હેતુએ માલસામાનની અવરજવર બંધ કરવામાં આવી છે. પેટ્રાપોલના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તરફ 250-300 ભારતીય ટ્રકો ફસાયેલા છે. બાંગ્લાદેશમાં વણસતી સ્થિતિને જોતા ભારત-બાંગ્લાદેશ સરહદો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૈયાર હતું વિમાન... જાણો કઈ રીતે ભારતે 2009ના વિદ્રોહમાં બચાવી હતી શેખ હસીનાની ખુરશી
દરરોજ 450-500 ટ્રકો જાય છે
પેટ્રાપોલ એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું લેન્ડ પોર્ટ છે. અધિકારીએ કહ્યું કે અમે બાંગ્લાદેશના નવા વહીવટીતંત્રને ટ્રક, માલસામાન અને ડ્રાઈવરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીશું. તમને જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલથી દરરોજ સરેરાશ 450-500 ટ્રક ભારતથી બાંગ્લાદેશ જાય છે. બીજી બાજુ લગભગ 150-200 ટ્રકો બાંગ્લાદેશથી ભારત આવે છે.
પેટ્રાપોલ આંતરરાષ્ટ્રીય સરહદ પર છે
દર વર્ષે લગભગ 22 લાખ લોકો પેટ્રાપોલ ચેક પોઈન્ટ દ્વારા સરહદ પાર કરે છે. પેટ્રાપોલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બાણગાંવમાં સ્થિત છે. તે કોલકાતાથી લગભગ 80 કિલોમીટરના અંતરે છે.