નવાઝ શરીફે કબૂલ્યું : 1999માં પાકિસ્તાને ભારત સાથેનાં શાંતિ કરારોનો ભંગ કર્યો હતો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
નવાઝ શરીફે કબૂલ્યું : 1999માં પાકિસ્તાને ભારત સાથેનાં શાંતિ કરારોનો ભંગ કર્યો હતો 1 - image


- તેઓ અને તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે થયેલા કરારો 'લાહોર ડેકલેરેશન' તરીકે જાણીતા છે

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કબૂલ્યું હતું કે તેઓની અને તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે 'લાહોર ડેકલેરેશન' તરીકે જાણીતા થયેલા શાંતિ કરારોનો પાકિસ્તાને ભંગ કર્યો હતો. તે કરારો ફેબ્રુઆરી ૨૧, ૧૯૯૯ના દિને થયા હતા. આ કરારોનો હેતુ આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાનો હતો.

આટલું સ્પષ્ટ રીતે જણાવ્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને મંગળવારે રાત્રે કહ્યું હતું કે, આ કરારો થયા પછી માત્ર થોડા જ મહિનાઓમાં 'કારગિલ યુદ્ધ' થયું હતું.

પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ)ની જનરલ કાઉન્સીલમાં તેઓએ પાકિસ્તાને કરેલા એટમ બોમ્બના પ્રયોગો વિષે જણાવ્યું હતું કે, અમેરિકાના દબાણ છતાં મેં એટમ બોમ્બના પ્રયોગો કરાવ્યા હતા. તે સમયે અમેરિકાના પ્રમુખપદે રહેલા બિલ ક્લિન્ટને તે પ્રયોગો ન કરવાનું કહેવા સાથે ૫૦ અબજ ડોલર (પાકિસ્તાનને) આપવા કહ્યું હતું, પરંતુ મેં તે દરખાસ્ત સ્વીકારી નહીં અને મે ૨૮, ૧૯૯૯ના દિવસે પરમાણુ બોમ્બ પ્રયોગો કરાવ્યા જ હતા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 'પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ' (પીટીઆઈ)ના સ્થાપક અને વડા ઈમરાનખાનની ટીકા કરતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે, 'જો મારી જગ્યાએ તે સ્થાને (વડાપ્રધાન પદે) ઈમરાન ખાન હોત તો તેમણે ક્લિન્ટનની તે દરખાસ્ત સ્વીકારી લીધી હોત.'

ઈમરાન ખાન ઉપર બીજો આક્ષેપ કરતાં શરીફે કહ્યું : 'અમને લાંછનો આપવાનું બંધ કરો (લશ્કર દ્વારા અપાતા સમર્થન વિષે) અને સ્વીકારો કે તે સમયના લશ્કરી વડા જનરલ ઈસ્લામે પીટીઆઈને સત્તાધીશ કરવાનું વચન આપ્યું હતું કે નહીં ?' અરે ! ઈમરાન ખાન તો લશ્કરી તંત્રના પગમાં બેસી ગયા હતા. નવાઝ શરીફે પ્રથમ અણુ બોમ્બના પાકિસ્તાને કરેલા પ્રયોગોની ૨૬મી જયંતિના દિને આ કહ્યું હતું.


Google NewsGoogle News