કાયર પુતિને મારા પતિની ઝેર આપી હત્યા કરી પણ હું લડાઈ ચાલુ રાખીશઃ એલેક્સી નવલનીની પત્ની
image : Socialmedia
મોસ્કો,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવલનીનુ રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ એલેક્સીની પત્નીએ પુતિન સામેની પોતાના પતિની લડાઈ ચાલુ રાખવાનુ એલાન કર્યુ છે.
એલેક્સી નવલનીના પત્ની યૂલિયા નવલન્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, જેલમાં બંધ મારા પતિની હત્યા પુતિને જ કરાવી છે અને અધિકારીઓ દ્વારા મારા પતિનો મૃતદેહ સોંપવા માટેનો ઈનકાર દર્શાવે છે કે, પુતિન દ્વારા સત્યને છુપાવવામાં આવી રહ્યુ છે.
યૂલિયાએ કહ્યુ હતુ કે, આઝાદ રશિયા માટે મારી લડાઈ ચાલુ રહેશે. રશિયાના અધિકારીઓ મારા પતિના મૃતદેહને સંતાડી રહ્યા છે અને તેમને અપાયેલા ઝેરના નિશાન શરીરમાંથી દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એલેક્સીને નોવિચોક નામનુ ઝેર આપવામાં આવ્યુ હતુ. જે એક પ્રકારનુ નર્વ એજન્ટ છે. પુતિન કાયર છે અને મારા પતિના મૃતદેહને સંતાડી રહ્યા છે. એલેક્સીના માતાને મૃતદેહ આપવાનો ઈનકાર કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે મૃતદેહ પરથી ઝેર આપ્યાના નિશાન દૂર થઈ જાય.
તેમણે રશિયન નાગરિકોને પણ એલેક્સીના સમર્થનમાં પુતિન સામે વિરોધ કરવા માટે આગળ આવવા અપીલી કરી હતી.
બીજી તરફ એલેક્સીના પ્રવક્તા કિરા યાર્મિશે કહ્યુ હતુ કે, દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાએ એલેક્સીના માતાને જવાબ આપ્યો છે કે, એલેક્સીના મોતનુ કારણ હજી ખબર નથી પડી. એલેક્સીના 69 વર્ષીય માતાને અને તેમને વકીલોને કોલ્ડ રૂમમાં જવા માટે પરવાનગી આપવામાં આવી નથી. કોલ્ડ રૂમમાં એલેક્સીનો મૃતદેહ છે કે નહીં તેનો જવાબ પણ કર્મચારીઓ આપી રહ્યા નથી.