રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન એકલું પડ્યું ? અમેરિકા બાદ NATO સૈન્ય મદદ કરવાના મૂડમાં નથી
Russia-Ukraine War: યુરોપિયન દેશો સહિત NATO ગઠબંધનના સભ્ય દેશો કથિત રીતે પોતાની એ યોજનાથી પીછે હટ કરી રહ્યા છે, જેના હેઠળ યુક્રેનને લશ્કરી સહાય આપવાની યોજના બનાવવામાં આવી હતી. અગાઉ એવા અહેવાલો હતા કે, શાંતિ કરારની સ્થિતિમાં યુરોપિયન દેશો યુક્રેનને ભવિષ્યમાં રશિયન આક્રમણથી બચાવવા માટે ત્યાં સૈન્ય તહેનાત કરશે અને લશ્કરી સહાય પૂરી પાડશે, પરંતુ હવે આ યોજના તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે. નાટો દેશોના આ પગલાથી યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે.
એક અહેવાલ પ્રમાણે યુરોપિયન નેતાઓ હવે બદલાયેલા ભૂ-રાજકીય સંજોગોમાં બ્રિટન અને ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવિત સૈનિકો મોકલવાના પડકારો પર વિચાર કરી રહ્યા છે, અને તેને પલટાવી દેવાની યોજના પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ તાજેતરના સમયમાં યુએસ-રશિયા સંબંધોમાં સુધારો થયો છે અને મોસ્કો ધીમે-ધીમે વોશિંગ્ટનની નજીક આવી રહ્યું છે, તેથી યુરોપિયન દેશો હવે તેમના પ્રસ્તાવથી પાછળ હટી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ યુક્રેન હવે યુદ્ધના મેદાનમાં પીછેહઠ કરી રહ્યું છે અને રશિયા આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
યુરોપિયન દેશોએ કેમ લીધો યુ-ટર્ન?
એક યુરોપિયન રાજદ્વારીએ જણાવ્યું કે, 'યુરોપિયન દેશો પાછળ હટી રહ્યા છે અને તેઓ જે કરી રહ્યા છે અથવા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આ ક્ષણે તે કરવું સૌથી સમજદારી ભર્યું પગલું હોઈ શકે છે.' અન્ય એક રાજદ્વારીએ જણાવ્યું કે, 'જ્યારે યુક્રેન સારી સ્થિતિમાં હતું, ત્યારે સૈનિકો મોકલવાનો વિચાર આકર્ષક લાગી રહ્યો હતો. પરંતુ હવે યુક્રેન ગ્રાઉન્ડ લેવલ પર અને અમેરિકન વહીવટી તંત્ર સાથે નબળું પડ્યું છે, તેથી હવે યુરોપિયન દેશોની યોજના વધારે આકર્ષક નથી રહી.'
પેરિસ યોજના અદ્ધરતાલ
તમને જણાવી દઈએ કે, આ મહિને 11 માર્ચે ફ્રાન્સની રાજધાની પેરિસમાં 30થી વધુ દેશોના સૈન્ય અધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી. તેને પેરિસ યોજના નામ આપવામાં આવ્યું, જેમાં એક આંતરરાષ્ટ્રીય સૈન્યની રચના પર ચર્ચા કરવામાં આવી. આ પ્રકારના સૈન્યનો હેતુ યુક્રેનમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી રશિયાને બીજી વાર હુમલો કરતાં અટકાવવાનો અને હુમલાની સ્થિતિમાં બચાવવાનો હતો. આ બેઠકમાં નાટો ગઠબંધનના લગભગ તમામ દેશોના ચીફ ઑફ સ્ટાફ અથવા તેમના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જોકે, અમેરિકાને આ માટે આમંત્રણ નહોતું આપ્યું.
યુએસ-રશિયા સંબંધોમાં સુધારો
બીજી તરફ અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. યુક્રેન બાદમાં 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયું. જોકે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ટેલિફોન વાતચીતમાં રશિયાએ આંશિક યુદ્ધવિરામ માટે સંમતિ વ્યક્ત કરી હતી અને યુક્રેનના ઊર્જા અને અન્ય મોટા ઠેકાણા પર હુમલો ન કરવાનું વચન આપ્યું હતું. આ અઠવાડિયે યુક્રેન અને રશિયા પણ કાળા સમુદ્રમાં યુદ્ધવિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આમ પુતિન હવે ધીમે-ધીમે અમેરિકા સાથેના સંબંધો સુધારી રહ્યા છે. પુતિને અમેરિકા પાસેથી અનેક પ્રતિબંધો હટાવવાની માગ કરી છે. તેના પર ટ્રમ્પે પણ સકારાત્મક ખાતરી આપી છે. યુરોપિયન દેશોને આ જોડાણ ખતરનાક લાગી રહ્યું છે, તેથી તેઓ પોતાની યોજનાથી પીછે હટ કરી રહ્યા છે.