ભારતનું ઈઝરાયલ વિરોધી પગલું? યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય યુદ્ધજહાજો ઈરાન પહોંચ્યા!
Image Twitter |
Indian Navy Training Ships Arrive in Iran : ઈઝરાયેલ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો ઈરાનના બંદર અબ્બાસ પહોંચી ગયા છે. ભારત અને ઈરાનની નૌકાદળ પર્સિયન ગલ્ફ (Persian Gulf)માં સંયુક્ત અભ્યાસમાં ભાગ લેશે. ભારતીય યુદ્ધ જહાજોનું ઈરાની યુદ્ધ જહાજ જેરાહ દ્વારા બંદર અબ્બાસ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે પોતાના ત્રણ મોટા તાલીમ યુદ્ધ જહાજોને ઈરાન મોકલ્યા છે.
આ ત્રણેય યુદ્ધ જહાજો ઈરાન પહોંચ્યા
ભારત અને ઈરાનનું મુખ્ય ધ્યેય દરિયાઈ સહયોગ વધારવાનું છે. ભારતીય નૌસેનાએ માહિતી આપી હતી કે, નૌકાદળનો કાફલો ઈરાનના બંદર અબ્બાસ પહોંચી ચૂક્યો છે. આ કાફલામાં INS તિર, INS શાર્દુલ અને ICGS વીરાનો સમાવેશ થાય છે.
આ વર્ષની શરૂઆતમાં ઈરાની તાલીમ ફ્લોટિલા શિપ બુશેહર અને ટોનબ મુંબઈ પહોંચ્યા હતા. તો ફેબ્રુઆરીમાં ઈરાની નૌકાદળના જહાજ ડેનાએ પણ નૌકા અભ્યાસ મિલનમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો : ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો
ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ભારતના સારા સંબંધો છે
ઈઝરાયેલ સાથેની નિકટતા અને ઈરાન સાથેના અભ્યાસને ભારતની સમજદાર વિદેશ નીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઈરાની હુમલા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત પણ કરી હતી. અહીં મહત્ત્વની વાત રશિયા અને યુક્રેનની જેમ ભારતના ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે. દુનિયામાં એવા બહુ ઓછા દેશો છે, જે બંને પક્ષો સાથે સારા સંબંધો ધરાવે છે. એક વાત એ પણ છે કે, ભારતે ઈરાનના ચાબહાર પોર્ટમાં પણ મોટું રોકાણ કર્યું છે.