VIDEO: વડાપ્રધાનની સત્તા બીજા નેતાને સોંપી અને સાઇકલ લઈને નીકળી પડ્યા... વિશ્વભરમાં આ નેતાની ચર્ચા
Natherland PM Transfer Powers: આપણા દેશમાં એક શહેરના પોલીસ કમિશનરનો વિદાય સમારંભ પણ સંગીત અને ભારે ઉજવણી સાથે યોજાય છે, પરંતુ યુરોપના આ દેશમાં જે જોવા મળ્યું તે ભાગ્યે જ જોવા મળે છે. વાસ્તવમાં થયું એવું કે નેધરલેન્ડના PM માર્ક રુટે પોતાનો કાર્યકાળ પૂરો કર્યા પછી નવા PMને સત્તાની સોંપી હતી. આ બાદ તેમણે જે કર્યું એણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા હતા. સત્તાસોંપણી કર્યા બાદ માર્ક રુટ પોતાની સાઇકલ ચલાવીને ઘર ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર મીડિયાકર્મીઓ તેમના ફોટા અને વીડિયો લેતા જોવા મળ્યા હતા.
કિરણ બેદીએ શેર કર્યો વીડિયો
પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ રાજ્યપાલ કિરણ બેદીએ ડચ વડાપ્રધાનની સાયકલ પર સવારી કરીને પીએમ હાઉસને વિદાય આપતા વીડિયોને તેમના X હેન્ડલ પર શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, '14 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ, પૂર્વ ડચ વડાપ્રધાન માર્ક રુટે તેમના અનુગામી ડિક સ્કૉફને સત્તાવાર રીતે સત્તા સોંપવાની વિધિ પૂરી કરીને વડાપ્રધાન કાર્યાલય છોડી દીધું.' વિડિયોમાં, રુટ સાયકલ પર સવારી કરીને ઓફિસમાંથી બહાર નીકળતો જોવા મળે છે, જ્યારે તેના સ્ટાફના સભ્યો તેને ભાવનાત્મક વિદાય આપે છે.
નેધરલેન્ડના નવા PM કોણ છે?
14 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યા પછી, રુટે પૂર્વ ગુપ્તચર વડા ડિક શૂફને નેતૃત્વ સોંપ્યું છે, જેમણે રાજા વિલેમ-એલેક્ઝાન્ડરની દેખરેખ હેઠળના સમારોહમાં સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. શૂફે સત્તાવાર રીતે લાંબા સમયથી વડા પ્રધાન રહેલા માર્ક રુટ પાસેથી સત્તા મેળવી હતી. ડચ ઇન્ટેલિજન્સ એજન્સી અને કાઉન્ટર ટેરરિઝમ ઓફિસના 67 વર્ષીય પૂર્વ વડા આ પદ માટે આશ્ચર્યજનક પસંદગી તરીકે ઉભરી આવ્યા હતા. નવા વડા પ્રધાનની નિમણૂક પરંપરાગત રાજકીય વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે, કારણ કે તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હતા, ઉપરાંત તેઓ ચૂંટણી પ્રવૃત્તિઓથી પણ દૂર રહેતા હતા.