અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને લઈને મોટા સમાચાર, જિંદગી અને મોતની વચ્ચે કરી રહ્યા છે કામ
Sunita Williams And Butch Wilmore Update News : અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના બે અંતરિક્ષયાત્રી ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનટ બુચ વિલ્મોર 46 દિવસથી અવકાશમાં ફસાયેલા છે. બંને અંરિક્ષયાત્રીને 13મી જૂને પરત લાવવાની તૈયારીઓ ચાલતી હતી, જોકે હજુ સુધી તેમને પરત લાવી શકાયા નથી, ત્યારે આ અંગે નાસાએ મોટો ખુલાસો કર્યો છે.
સુનિતા અંતરિક્ષમાં શું કરી રહ્યા છે?
નાસાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘સુનિતા અને વિલ્મોરે અમને બુધવારે માહિતી આપી છે કે, તેઓ પાસે જરૂરી સમય હોવાથી વજન વિનાના વાતાવરણમાં છોડને અસરકારક રીતે પાણી આપવાની રીતો શોધી રહ્યા છે. બંનેએ દિવસ દરમિયાન હારમની મૉડ્યૂલમાં વારાફરથી પરીક્ષણ કર્યું છે કે, વિવિધ આકારના રૂટ મૉડલ અને વિવિધ કદના છોડ માઇક્રોગ્રેવિટીમાં કેવી રીતે પાણીને શોષી શકે છે? પ્લાન્ટ વોટર મેનેજમેન્ટ અભ્યાસ સ્પેસક્રાફ્ટ અને અવકાશ રહેણાંકમાં ઉગતા છોડને પોષવા માટે હાઇડ્રોપોનિક્સ અને હવા પરિભ્રમણ જેવી ટેકનોલોજી પર ધ્યાન આપે છે.
અવકાશમાં છોડને કેવી રીતે જીવંત રાખી શકાય?
નાસાએ એક બ્લૉગ પોસ્ટમાં કહ્યું છે કે, બંને અવકાશયાત્રી છોડને માઈક્રોગ્રેવિટીમાં પાણી આપવાની રીતો શોધવાનું અને તેના પર પરીક્ષણ કરવાનું કામ કરી રહ્યા છે. બંનેએ પ્લાન્ટ વૉટર મેનેજમેન્ટ હાર્ડવેર તૈયાર કર્યું છે. વિલિયમ્સે હાઈડ્રોપોનિક્સ અને વાયુનો ઉપયોગ કરીને અનેક પરીક્ષણ કર્યા છે. તેઓ સમજવા માંગે છે કે, અવકાશમાં રોકાણ દરમિયાન વિવિધ પ્રકારના છોડને યોગ્ય રીતે કેવી રીતે ઉછેરી શકાય? સુનિતા અને વિલ્મોરે આ સમગ્ર સંશોધન અને પ્રયોગનો એક વીડિયો પણ બનાવ્યો છે.
બંને અવકાશયાત્રીઓ ક્યારે પાછા ફરશે?
નાસાએ બંને અવકાશયાત્રીઓના પરત ફરવા અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી તેમજ કોઈ તારીખ પણ જાહેર કરી નથી. નાસાએ માત્ર એટલું જ કહ્યું છે કે, બંને સુરક્ષિત છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું હતું કે, અમને પાછા ફરવાની કોઈ ઉતાવળમાં નથી.
ક્યારે સ્પેસમાં ગયા હતા?
નાસાના એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને જૂનની 5મીએ ફ્લોરિડાથી સ્ટારલાઇનર દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. જ્યાં બંનેને લગભગ આઠ દિવસ પસાર કરવાના હતા. જો કે સ્ટારલાઈનર (Starliner)માં ખામીએ તેમના મિશનને અનિશ્ચિત સમય માટે લંબાવી દીધુ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચતી વખતે સ્ટારલાઈનરના 28 થ્રસ્ટર્સમાંથી પાંચ નિષ્ફળ ગયા અને ઘણાં વધુ ખરાબ થઈ ગયા હતા. જેમને ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેમ અટવાઈ ગયા, હજુ મહિનાઓ સુધી ત્યાં રહેવું પડી શકે, પાછા લાવવા NASA શું કરે છે
અમે વહેલી તકે પૃથ્વી પર પાછાં આવી જ જઇશું : સુનિતા-વિલ્મર
નાસાના ટેસ્ટ પાઇલોટ બુચ વિલમોર અને ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 10મી જુલાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇ.એસ.એસ.)માંથી પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, અમને પૂરો વિશ્વાસ છે કે, બોઇંગ કંપનીની સ્પેસ કેપ્સુલ દ્વારા અમે બહુ જલદી એટલે કે, જુલાઇના અંત સુધીમાં પૃથ્વી પર સંપૂર્ણ સલામતીથી પાછા આવી જઇશું. પૃથ્વીથી 400 કિલોમીટરના દૂરના અંતરિક્ષમાં ગોળ ગોળ ઘુમતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સુનિતા વિલિયમ્સે અને બુચ વિલમોરે પહેલી જ વખત ન્યુઝ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર જૂનમાં બોઇંગની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલ દ્વારા ISSમાં ગયાં છે. સુનિતા અને વિલમોરેએ કહ્યું હતું કે, ખરેખર તો અમે ઘણાં સપ્તાહ પહેલાં જ પૃથ્વી પર પાછાં આવી જવું જોઇતું હતું. આમ છતાં બોઇંગ કંપનીની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલમાં હિલિયમનું ગળતર થવાથી અને તેના થ્રસ્ટરની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં અમને બંનેને અહીં ISSમાં આવવામાં વિલંબ થયો હતો. હવે અમે બંને અહીં ISSમાં નાછૂટકે રોકાઇ ગયાં છીએ. જોકે એક વખત પૃથ્વી પરના થ્રસ્ટરનું વૈજ્ઞાાનિક પરીક્ષણ થઇ જાય ત્યારબાદ અમે વહેલી તકે પૃથ્વી પર પાછાં આવી જ જઇશું. અમને પૃથ્વી પર પાછાં આવવામાં વિલંબ થયો હોવાની કોઇ જ જાતની ફરિયાદ નથી. અમે અહીં ISSમાં ભરપૂર મોજમસ્તી કરી રહ્યાં છીએ. સાથોસાથ અમે ISSનાં ક્રૂ મેમ્બર્સને મદદરૂપ પણ બની રહ્યાં છીએ.