પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર...

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર... 1 - image

image : Socialmedia

વોશિંગ્ટન,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ) સંગઠનના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકન અવકાશી સંસ્થા નાસા એક અનોખી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહી છે. નાસાનુ યાન ઓડિસિયસ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને નાસાના આઈએમ-1 મિશનના ભાગરુપે તે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. તેની બહારની સપાટી પર પ્રમુખ સ્વામી મહારાજની તસવીર સાથે તેમણે કરેલા કામની માહિતી આપવામાં આવી છે. 

ઈન્ટ્યુઈટિવ મિશન્સે એક્સ પર આ તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘રિલેટિવ ડાયનેમિક્સના સમન્વયથી લોન્ચ કરાયેલા આઈએમ -1 મિશન દ્વારા પરમ પાવન પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. સ્પેસ ક્રાફ્ટ પર કરાયેલી કોતરણી પ્રમુખ સ્વામી મહારાજની સેવાના સન્માનમાં છે. તેમણે આખું જીવન નિઃસ્વાર્થ પણે માનવીય મૂલ્યોના સમર્થનમાં તેમજ માણસ જાતની સેવામાં પસાર કર્યું હતું. તેમના સેવા કાર્યો બે દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણનુ નિમિત્ત બન્યા હતા. અંતરિક્ષમાં પણ શોધખોળના ક્ષેત્રે અલગ અલગ દેશોનું જોડાણ મહત્ત્વનું બની રહે છે.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 1921માં થયો હતો. તેમનુ સાંસારિક નામ શાન્તિલાલ પટેલ હતું. બાદમાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાઈને દીક્ષા ગ્રહણ કરી હતી. વડોદરા પાસે જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં બીએપીએસ સંપ્રદાયે સમગ્ર દુનિયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક કાર્યોને લગતી પ્રવૃત્તિઓ વિસ્તારી હતી. પ્રમુખ સ્વામી મહારાજના કારણે અમેરિકામાં બીએપીએસના સંખ્યાબંધ મંદિરોનું નિર્માણ શક્ય બન્યું છે. દિલ્હીના ભવ્ય અક્ષરધામ મંદિર બનાવવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. તેમણે પોતાના જીવનકાળમાં લગભગ 1000 ભવ્ય મંદિરો બનાવડાવ્યા છે. તેઓ વર્ષ 2016માં 94 વર્ષની વયે સ્વર્ગવાસી થયા હતા.


Google NewsGoogle News