નાસાએ મંગળ પર શોધી કાઢ્યો પાણીનો અખૂટ ભંડાર, માનવ વસવાટની આશા જાગી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
NASA Mars Rover



NASA Discover Water on Mars : નાસા (NASA)એ મંગળ ગ્રહ પર એક મોટી સફળતા હાંસલ કરી છે.  નાસાએ મંગળની સપાટી પર પાણીનો અખૂટ જથ્થો શોધી કાઢ્યો છે. પાણીનો આ ભંડાર એટલો વિશાળ છે કે તેનાથી એક સમુદ્ર જેટલું પાણી ભરાઇ શકે છે. હકિકતમાં, ગ્રહની સપાટી પર કેટલાક કિમી નીચે સુધીની જમીનમાં તિરાડો છે જેમાં વિશાળ પ્રમાણમાં તરલ પાણી છે. નાસાએ તેના ઇનસાઇટ લેન્ડરથી મળેલા આંકડા પરથી પાણી અંગે માહિતી આપી છે.

પાણીમાં સુક્ષ્મજીવોના અસ્તિત્ત્વની પણ સંભાવના

કેલિફોર્નિયા સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્લેનેટરી સાઇન્ટિસ્ટ વાશન રાઇટ અને તેમની ટીમની સ્ટડી મુજબ, મંગળ ગ્રહની સપાટી નીચે 11.5થી 20 કિમી ઉંડાઇ સુધી વિશાળ પ્રમાણમાં પાણી હાજર છે. જેમાં સુક્ષ્મજીવોના અસ્તિત્ત્વ હોવાની પણ સંભાવના છે. વાશને જણાવ્યું કે, મંગળ ગ્રહના ઉપરના પોપડાનું વાતાવરણ એવું છે કે એમાં પ્રવાહી પાણી જમા થઇ શકે છે. જ્યારે વધુ ઉંડાઇમાં જતાં એ પાણી બરફ બની જાય છે. વાશન અને તેમની ટીમની આ સ્ટડી તાજેતરમાં જ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાઇન્સમાં પણ પ્રકાશિત થઇ છે. વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યું કે, તેઓ પૃથ્વી પર પણ આટલી ઉંડાઇમાં સૂક્ષ્મજીવન શોધી ચૂક્યા છે.

ઇનસાઇટ લેન્ડરની ભૂકંપના તરંગો માપવાની ક્ષમતાથી ખૂલાસો

નાસાનો ઇનસાઇટ લેન્ડર વર્ષ 2018માં મંગળ ગ્રહની સપાટી પર ઉતર્યો હતો. જેથી તેના અંદરનો અભ્યાસ કરી શકે. આ લેન્ડરે તેની ભૂકંપના તરંગો માપવાની ક્ષમતાથી મંગળ ગ્રહની અંદરની લેયર્સનો નકશો બનાવ્યો છે. નાસા મુજબ લેન્ડરના આ ડેટાની સ્ટડી પરથી જણાઇ આવે છે કે, મંગળ ગ્રહની નીચે ખૂબ જ વિશાળ પ્રમાણમાં પાણી સંગ્રહ થયેલું છે.

પાણીની જાણ કઇ રીતે થઇ?

લેન્ડરની તરંગો જ્યારે ખડકમાંથી પસાર થાય છે તો તેનો અલગ વલણ હોય છે અને જ્યારે પાણીમાંથી પસાર થાય છે ત્યારે અલગ વલણ હોય છે. આ તરંગોના અભ્યાસથી જ નાસાના વૈજ્ઞાનિકોએ પાણીના સ્થાન અને ઉંડાઇની જાણ થઇ હતી. આ જ રીતે પૃથ્વી પર પણ પાણીના વિશાળ સ્ત્રોતો, તેલ અને ગેસ શોધવામાં આવે છે. મંગળ પર 11.5 કિમીથી લઇને 20 કિમી સુધી પાણીનો વિશાળ જથ્થો હાજર છે. જે લાવાના ઠંડા પડ્યા બાદ ત્યાં જમાં થયો છે. અને જો આ પાણીને સપાટી પર લાવવામાં આવે તો એક સમગ્ર ગ્રહ પર 1થી 2 કિમી ઉંડાઇ સુધી સમુદ્ર જેટલું પાણી ભરાઇ શકે છે. 


Google NewsGoogle News