નાસાએ એવા 17 ગ્રહ શોધ્યા, જેની નીચે છે વિશાળ મહાસાગરો, શું ત્યાં એલિયન્સ હોઈ શકે?
Image Source: Freepik
વોશિંગ્ટન, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ 17 એવા એક્સોપ્લેનેટ્સ (સૂર્ય જેવા તારાના ચક્કર લગાવનાર ગ્રહ) અથવા કહેવાય કે ગ્રહોની શોધ કરી છે, જેની બર્ફીલી સપાટીની નીચે જીવનને સપોર્ટ કરનાર મહાસાગર હાજર હોઈ શકે છે. સમગ્ર દુનિયાની અન્ય એજન્સીઓની જેમ જ નાસા પણ પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહી છે. માન્યતા છે કે અમુક ગ્રહ પર ભલે ખૂબ ઠંડી હોય પરંતુ તેમની બર્ફીલી સપાટીની નીચે જીવન હાજર હોઈ શકે છે.
નાસાએ એક નિવેદનમાં કહ્યુ, આ મહાસાગરોનું પાણી ક્યારેક બરફની સપાટી દ્વારા ગીઝર તરીકે સપાટીથી બહાર નીકળે છે. સાયન્સની ટીમે આ એક્સોપ્લેન્ટ પર ગીઝર ગતિવિધિના પ્રમાણની ગણતરી કરી, પહેલી વખત આ અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ 17 એક્સોપ્લેનેટ્સને શોધવાનું કામ નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરની ડો લિને ક્વિકના નેતૃત્વ હેઠળની ટીમે કર્યુ છે.
સ્ટડીમાં શું છે
સ્ટડીમાં એ વાત પર ફોકસ કરવામાં આવ્યુ છે કે હેબિટેબલ ઝોન ( એ સ્થળ જ્યાં હાજર ગ્રહ પર જીવન હોવાની સંભાવના હોય) ના બદલે આપણે ઠંડા એક્સોપ્લેનેટ્સ પર જીવન શોધવા માટે કામ કરવુ જોઈએ. ઠંડા ગ્રહોની બર્ફીલી સપાટીની નીચે મહાસાગર હાજર હોઈ શકે છે. જેમાં જણાવાયુ છે કે ગ્રહની નીચે હાજર મહાસાગર તેના ઈન્ટરનલ હીટિંગ મેકેનિઝ્મનો ઉપયોગ કરી રહ્યા હશે. આપણા સૌરમંડળમાં હાજર યુરોપા અને ઈક્લેડસ નામના ચંદ્ર પર પણ આવુ જ થાય છે.
આ 17 બર્ફીલી દુનિયાઓમાં બરફથી ઢંકાયેલી સપાટી હાજર હોઈ શકે છે પરંતુ આ ઢાકેલી સપાટીની નીચે હાજર મહાસાગરોમાં પાણીને જમાવવાથી બચાવવા માટે તેમના સૂર્યથી રેડિયોએક્ટિવ તત્વ અને બળની મદદ મળી હતી. આ બંને વસ્તુઓની મદદથી આટલી હીટિંગ મળતી હશે. જે પાણીને સરળતાથી જામવા દેતી નથી. આ કારણ છે કે હીટિંગના કારણે ઘણી વખત મહાસાગરોના પાણી સપાટીને કાપીને બહાર પણ આવી રહ્યા છે.
શું આ ગ્રહો પર જીવન હશે?
ગ્રહોની બનાવટ કઈ રીતે થઈ છે તે સ્ટડીમાં જણાવાયુ નથી પરંતુ પાણીની હાજરી એ વાતનો સંકેત પણ આપે છે કે આ ગ્રહો પર જીવન પણ હોઈ શકે છે. એ પણ શક્ય છે કે જીવન હજુ બેક્ટેરિયા અને માઈક્રોબ્સની અવસ્થામાં હોય. જોકે, નાસાની સ્ટડી અનુસાર ગ્રહો પર જીવનની હાજરી વિશે વધુ કંઈ કહેવાયુ નથી. દરમિયાન કોઈ નક્કર પરિણામ પર પહોંચવુ ઉતાવળ હશે.