નાસાએ મંગળ પર 122 ગ્રામ ઓક્સિજન બનાવ્યો : માનવ વસવાટના સંકેત
- અંતરીક્ષ સંશોધનના ઇતિહાસની અદભૂત- સોનેરી સફળતા
- લાલ ગ્રહ પરના પર્સિવરન્સ રોવર સાથેના મોકસી નામના વૈજ્ઞાનિક ઉપકરણે મંગળના વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડમાંથી પ્રાણવાયુ છૂટો પાડયો
- ઓક્સિજન પૃથ્વી પરનો માનવી, પશુ-પંખી શ્વાસમાં લઇ શકે તેવો છે
વોશિંગ્ટન/મુંબઇ : અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં નવો અને વિશિષ્ટ અધ્યાય લખાય તેવા સમાચાર છે. સમાચાર એ છે કે અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ને સૌર મંડળના લાલ ગ્રહ મંગળ પર ઓક્સિજન (પ્રાણવાયુ)નું સર્જન કરવામાં સોનેરી સફળતા મળી છે.
નાસાએ મંગળના વાતાવરણ માંના કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજનનું સર્જન કર્યું છે.મંગળ પર સર્જાયેલો ઓક્સિજન પૃથ્વી પરનો માનવી અને પ્રાણીઓ-પક્ષીઓ પણ તેના શ્વાસમાં લઇ શકે તેવો જ છે. આ ઐતિહાસિક સફળતા સાથે નાસાને તેના ૨૦૩૦માં મંગળ પર સમાનવ અવકાશયાન મોકલવાની અને ભવિષ્યમાં આ જ રાતા ગ્રહની ધરતી પર માનવ વસાહત પણ બનાવવાની મહત્વાકાંક્ષી યોજનામાં પણ સફળતા મળશે.
નાસાનાં સૂત્રોએ એવી જાહેરાત પણ કરી છે કે હાલ મંગળની ધરતી પર સંશોધન કરી રહેલા અમારા પર્સિવરન્સ રોવર સાથે માર્સ ઓક્સિજન ઇન સિટુ રિસોર્સ યુટિલાઇઝેશન એક્સપરિમેન્ટ (એમ.ઓ.એક્સ.આઇ.ઇ.-મોક્સી) નામનું અત્યાધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ જોડાયેલું છે.આ મોક્સી ઉપકરણ દ્વારા થયેલા પ્રયોગો દ્વારા ઓક્સિજનનું સર્જન થયું છે.
નાસાનું પર્સિવરન્સ રોવર ૨૦૨૧ની ૧૮, ફેબુ્રઆરીએ મંગળના જેઝેરો ઉલ્કાકુંડ નજીક ઉતર્યું છે. છ પૈડાંનું અને અત્યાધુનિક ટેકનોલોજીવાળા પર્સિવરન્સ રોવર સાથે મોક્સીવૈજ્ઞાનિક ઉપકરણ જોડાયલું છે.રોવર અને મોક્સી સતત બે વર્ષથી મંગળના જેઝેરો ઉલ્કાકુંડ નજીકના વિસ્તારની માટીના નમૂના લઇને તેમાં રહેલાં કુદરતી રસાયણોનું, લાલ ગ્રહના વાતાવરણનું સંશોધન કરી રહ્યું છે.
નાસાના ટેકનોલોજી ડેમોન્સ્ટે્રશન, સ્પેસ ટેકનોલોજી મિશન્સ ડાયરેક્ટોરેટના ડાયરેક્ટર ટ્રુડાય કોર્ટેસે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને મોક્સી ઉપકરણ દ્વારા સતત બે વર્ષના સઘન પ્રયોગો બાદ મંગળ ગ્રહના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજનનું સર્જન કરવામાં સફળતા મળી છે. અત્યારસુધીમાં મોક્સી ઉપકરણ દ્વારા મંગળના વાતાવરણમાં ૧૨૨ ગ્રામ જેટલા શુદ્ધ ઓક્સિજનનું સર્જન થઇ શક્યું છે. મોક્સી વૈજ્ઞાનિક ઉપકરણે દર કલાકે મંગળના વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડમાંથી ૧૨ ગ્રામ શુદ્ધ ઓક્સિજનનું સર્જન કર્યું છે.ખરેખર તો ઓક્સિજનનું આટલું પ્રમાણ અમારા લક્ષ્યાંક કરતાં બમણું છે. મોક્સી ઉપકરણે ૨૦૨૩ની ૧૭, ઓગસ્ટે મંગળના વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવવાનો છેલ્લો પ્રયોગ કર્યો છે.
મહત્વની બાબત તો એ છે કે રાતા ગ્રહના વાતાવરણમાં પહેલી જ વખત સર્જાયેલો પ્રાણવાયુ પૃથ્વી પરનું ગલુડિયું(શ્વાનના બચ્ચાને ગલુડિયું કહેવાય) સતત ૧૦ કલાક સુધી તેના શ્વાસમાં લઇ શકે તેટલો છે. એટલે કે અમારા પ્રયોગ દ્વારા સર્જાયેલા ઓક્સિજનું પ્રમાણ આટલું છે એમ કહી શકાય.
ટ્રુડાય કોર્ટેસે આ અદભૂત અને યાદગાર પ્રયોગની વિગતો સમજાવતાં કહ્યું હતું કે મોક્સી વૈજ્ઞાનિક ઉપકરણ ખરેખર તો કદમાં બહુ નાનું છે. જોકે મોક્સીની ટેકનોલોજી બહુ વિશિષ્ટ છે. મોક્સી તેના પ્રયોગ દરમિયાન રાતા ગ્રહના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ૯૬ ટકા જેટલો જથ્થો લે છે. ત્યારબાદ તે કાર્બન ડાયોક્સાઇડનાં સુક્ષ્મ કણો છૂટાં પાડે છે.આ વૈજ્ઞાનિક પ્રક્રિયા દરમિયાન કાર્બનનો એક અણુ અને ઓક્સિજનના બે અણુ છૂટા પડે છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ કચરારૂપે બહાર ફેંકાઇ જાય છે.
મહત્વનો મુદ્દો તો એ પણ છે કે અમારા મોક્સી ઉપકરણે તો રાતા ગ્રહ પર ગરમી સામે રક્ષણ મેળવી શકાય તેવી ગોલ્ડ(સોનું) અને અરોજલ નામની ધાતુઓ પણ બનાવી છે. જોકે આ બંને ધાતુઓ બનાવવાની પ્રક્રિયા માટે ઉંચા તાપમાનની જરૂર રહે છે.
મોક્સી વૈજ્ઞાનિક ઉપકરણ પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર મિશેલ હેચ કહે છે, અમારા મોક્સીને મળેલી ઉજળી સફળતાથી ભવિષ્યમાં ઘણા ફાયદા થઇ શકે તેમ છે.ઉદાહરણરૂપે અમારા ભાવિ સમાનવ મૂન મિશન અને સમાનવ માર્સ મિશનમાં મોક્સી દ્વારા આ જરૂરી માત્રામાં ઓક્સિજનનું સર્જન કરી શકાશે.અમારા અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળ પર જાય ત્યારે અને ત્યાં ભાવિ માનવ વસાહત બને ત્યારે મોક્સી દ્વારા પૂરતી માત્રામાં ઓક્સિજનનું સર્જન કરી શકાશે.સરળ રીતે સમજીએ તો ભવિષ્યમાં પૃથ્વીનો માનવી ચંદ્ર પર અને મંગળ પર જાય, ત્યાં રહીને સંશોધન કરીને પાછો પૃથ્વી પર આવે તે તમામ યાત્રા દરમિયાન મોક્સી ઉપકરણો બહુ જ ઉપયોગી બની રહેશે. નાસાના અવકાશ યાત્રીઓ એટલે કે પૃથ્વીનો માનવી પહેલી જ વખત સૂર્ય મંડળના રાતા ગ્રહ મંગળની ધરતી પર પગ મૂકે તે ઐતિહાસિક સફળતા કદાચ ધારણા કરતાં વહેલી શક્ય બનશે.આમ છતાં અમારે આ દિશામાં હજી ઘણું ઘણું મહત્વનું સંશોધન પણ કરવાનું છે.