Get The App

સ્પેસમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને થઈ ગંભીર બીમારી, હવે શું કરશે NASA?

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Sunita Williams



Sunita Williams Suffers in Space : આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર ક્યારે પરત ફરશે એ અંગે અત્યાર સુધી કોઈ નિશ્ચિત તારીખ સામે આવી નથી. બન્ને અવકાશયાત્રીઓને પરત લાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક બાબત સામે આવી છે. સુનિતા વિલિયમ્સ માઇક્રો ગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી આંખની દૃષ્ટિ સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા છે.

કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે સુનિતા વિલિયમ્સ?

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલ સ્પેસફ્લાઇટ ઍસોસિયેટેડ ન્યૂરો-ઓકુલર સિન્ડ્રોમ (SANS) તરીકે જાણીતી બીમારીથી પીડાઈ રહ્યા છે. આ રોગ શરીરમાં પ્રવાહી વિતરણને પ્રભાવિત કરે છે. જેનાથી અસ્પષ્ટ દેખાવું અને આંખોની સંરચનામાં ફેરફાર થવા જેવી દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ થાય છે. તેમના કોર્નિયા, રેટિના અને લેન્સ હાલમાં જ સ્કેન કરવામાં આવ્યા છે. જેથી તેમની સ્થિતિની ગંભીરતા માપી શકાય. સુનિતા વિલિયમ્સ 6 જૂન 2024ના રોજ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આઠ દિવસના મિશન પર ગયા હતા. જો કે, તેમના અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે સુનિતા સાથે એમના સહ-અંતરિક્ષયાત્રી વિલ્મોર પણ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’(ISS) પર મહિના કરતાં વધુ સમયથી અટવાયેલા છે. 

આ પણ વાંચોઃ કમલાને હરાવવા ટ્રમ્પે હિંદુ નેતાની માગી મદદ, પહેલા પણ અનેક ડિબેટમાં કરી ચૂક્યાં છે પરાજિત

અવકાશયાત્રીઓની પરત લાવવા શું યોજના?

મીડિયા સાથે વાતચીતમાં નાસાના અધિકારીએ જણાવ્યું કે, સ્ટારલાઇનર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને અવકાશમાંથી પરત લાવવા માટે તમામ શક્ય વિકલ્પો પર વિચાર ચાલુ છે. નાસાએ જે વિકલ્પો પર વિચાર કર્યા છે એમાંથી મુખ્ય વિકલ્પ મુજબ ફેબ્રુઆરી 2025 સુધી બન્ને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવી શકાશે. જો નાસા આ વિકલ્પ પર કામ કરશે તો તે સ્ટારલાઇનરનો ઉપયોગ કરવાના બદલે એલોન મસ્કના સ્પેસએક્સ મારફતે બન્ને પરત લાવવામાં આવશે. જો કે, નાસા હજુ પણ સ્ટારલાઇનરનો ઉપયોગ કરી બુચ અને સુનિતાને પરત લાવવા પર કામ કરી રહ્યું છે, પરંતુ જો એવું શક્ય નહીં હોય તો નાસા ક્રુ 9ને અવકાશ મિશન પર ભેજવા માટે સ્પેસએક્સ સાથે મળી કામ કરી રહ્યું છે. જો જરૂર પડશે તો અમે સુનિતા અને બુચને પણ એ મિશનમાં સામેલ કરી તેમને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવવા અંગે વિચારી રહ્યા છે.

લાંબા સમય સુધી અવકાશમાં રહેવું જોખમી

નાસાએ જ્યારે બન્ને અવકાશયાત્રીઓને પરત લાવવાનો સમય 90 દિવસ લંબાવ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે, અવકાશયાત્રીઓ પાસે પર્યાપ્ત રાશન છે માટે તેમને અવકાશમાં ખાવા-પીવા અંગે કોઈ સમસ્યા થશે નહીં. પરંતુ અવકાશમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. સ્પેસમાં રેડિએશનનું ભય વધારે હોય છે જેનાથી અવકાશયાત્રીઓના શરીરને નુકસાન થઈ શકે છે. ઉપરાંત અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના કારણે ચહેરા પર સોજો આવવો, લોહીની ઉણપ થવી ઉપરાંત વિવિધ સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ જૂઓઃ  VIDEO : આકાશમાં સ્ટંટ કરતાં કરતાં વિમાન થયું સમુદ્રમાં ગરકાવ, પાઇલટ મૃત્યુ પામ્યો

સુનિતાના મિશનને કઈ ટેકનિકલ ખરાબી નડી? 

બોઇંગ કંપની દ્વારા બનાવાયેલું ‘બોઇંગ સ્ટારલાઇનર’ રિયુઝેબલ (ફરી વાપરી શકાય) પ્રકારનું અવકાશયાન છે. એનો વપરાશ અવકાશયાત્રીઓને ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) સુધી લઈ જવા અને પરત લાવવા માટે થતો હોય છે. એના પહેલાં જ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ઉપડ્યા હતા. પણ, ISS તરફ જતી વખતે જ સ્ટારલાઇનરની પ્રોપલ્શન સિસ્ટમમાં હિલિયમ લીક અને થ્રસ્ટર આઉટેજની સમસ્યાઓ સર્જાઈ હતી. ISS સુધી હેમખેમ પહોંચી તો જવાયું, પણ હવે સમસ્યાનું પાકું સમાધાન ન કરાય ત્યાં સુધી પાછા ફરવાનું સાહસ કરાય એમ નથી. અવકાશયાનના તળિયે એક નળાકાર જોડાણ છે, જેને સર્વિસ મોડ્યુલ કહેવાય છે. આ સર્વિસ મોડ્યુલ જ ઉડાન દરમિયાન અવકાશયાનને મોટાભાગની શક્તિ પ્રદાન કરે છે. સ્ટારલાઇનરમાં આ સર્વિસ મોડ્યુલમાં જ ખામી સર્જાઈ હતી.


Google NewsGoogle News