નારી શક્તિઃ સાઉદીના ડિફેન્સ એક્સપોમાં એરફોર્સ, આર્મી અને નેવીની મહિલા અધિકારીઓ બની ભારતની પ્રતિનિધિ
નવી દિલ્હી,તા.06 ફેબ્રૂઆરી 2024,મંગળવાર
સાઉદી અરબમાં વર્લ્ડ ડિફેન્સ એક્સપો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભારત પણ ભાગ લેવાનુ છે અને આ માટે પહેલી વખત ત્રણ મહિલા સભ્યોના પ્રતિનિધિમંડળને સાઉદી અરબ મોકલવામાં આવ્યુ છે. આ ત્રણે મહિલાઓ સેનાની ત્રણે પાંખમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.
દુબઈમાં આઠ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનાર એક મહિલા અધિકારી લડાકુ ફાઈટર પાયલોટ છે, એક આર્મીની એન્જિનિયરિંગ રેજિમેન્ટમાં છે અને અન્ય એક મહિલા અધિકારી નૌસેનાના યુધ્ધ જહાજ પર તૈનાત છે. તેમના નામ સ્કવોડ્રન લીડર ભાવના કંઠ, કર્નલ પોનુંગ ડોમિંગ અને લેફટનન્ટ કમાન્ડર અન્નૂ પ્રકાશ છે.
સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ હાલમાં વાયુસેનાના સુખોઈ-30 વિમાનની પાયલોટ છે. 2016માં તે ફાઈટર પાયલોટ તરીકે વાયુસેનામાં સામેલ થઈ હતી. તે આ એક્સપોમાં મહિલાઓના સંરક્ષણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ વિષય પર યોજાનારા એક સેમિનારમાં પણ સામેલ થશે.
સેનાની કર્નલ પોનુંગ ડોમિંગ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં સેના દ્વારા બની રહેલા રસ્તાના નિર્માણની કામગીરીમાં સામેલ છે. આ કામગીરી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલથી માત્ર 3 કિલોમીટર દૂર થઈ રહી છે. તેમનુ યુનિટ લદ્દાખમાં લેન્ડિંગ ગ્રાઉન્ડને બેઝમાં અપગ્રેડ કરવા માટે પણ કામ કરી રહ્યુ છે.
જ્યારે લેફનન્ટ કમાન્ડર અન્નૂ પ્રકાશ નૌસેનાની પહેલી મહિલા અધિકારીઓ પૈકીની એક છે જેમને લડાકુ જહાજો પર તૈનાત કરાયા છે. અન્નૂ પ્રકાશ ભારતીય નૌસેનાના લડાકુ જહાજ આઈએનએસ કોચ્ચિ પર હાલમાં ફરજ બજાવી રહી છે.