31 વર્ષ માટે જેલમાં બંધ નરગિસ વતી તેના બે બાળકો શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ સ્વીકારશે

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
31 વર્ષ માટે જેલમાં બંધ નરગિસ વતી તેના બે બાળકો શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ સ્વીકારશે 1 - image


Image Source: Twitter

પેરિસ, તા. 10 ડિસેમ્બર 2023

શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ જીતનાર નરગિસ મહોમ્મદી વતી પેરિસમં રહેતા તેમના બે બાળકો આ પુરસ્કાર સ્વીકારશે. કારણકે તેમની માતા 31 વર્ષથી જેલમાં છે.

નરગિસના બે બાળકો તેમના પિતા સાથે પેરિસમાં રહે છે અને નોર્વેમાં નોબેલ પ્રાઈઝ સ્વીકારતા પહેલા તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, અમને અમારી માતા પર ગર્વ છે. કારણકે તે મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે.

નરગિસની પુત્રી કિયાના રહેમાનનુ કહેવુ છે કે, મેં મારી માતાને આઠ વર્ષ પહેલા જોઈ હતી અને હું તેમન ફરી મળી શકીશ કે નહીં તે મને નથી ખબર. જોકે તેનાથી મને ખાસ ફર્ક નથી પડવાનો. કારણકે મારી માતા મારા દિલમાં છે અને તે હંમેશા જીવતી રહેશે.

જ્યારે પુત્ર અલીએ કહ્યુ હતુ કે, મેં બાળપણમાં જ સ્વીકારી લીધુ હતુ કે, મારે મારી માતાથી અલગ રહેવાનુ છે પણ મને હજી આશા છે કે, હું મારી માતાને જોઈ શકીશ અને જો હું તેમને ફરી નહીં મળી શકુ તો પણ મહિલાઓના અધિકારો માટે તેમણે શરુ કરેલી લડાઈ હું ચાલુ રાખીશ.

નરગિસના પતિ  તગી રહેમાનીએ કહ્યુ હતુ કે, નોબેલ પ્રાઈઝ નરિગસના અવાજને બુલંદ કરશે. ભલે નરગિસ અત્યારે કપરી સ્થિતિમાં રહી રહી હોય પણ તેના આંદોલનને તેનાથી વેગ મળશે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ  ઉઠાવનાર 51 વર્ષીય નરગિસ મહોમ્મદીને તહેરાનની જેલમાં રાખવામાં આવી છે. ઈરાનની સરકારે નરગિસને સરકાર સામે દુષ્પ્રચાર બદલ જેલમાં પૂરી છે. તેને 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

નરગિસ શાંતિ માટે નોબેલ પ્રાઈઝ જીતનાર 19મી મહિલા છે.તેમને એક મિલિયન ડોલર પુરસ્કાર પણ મળશે. જેલમાં રહીને આ પ્રાઈઝ જીતનાર તે પાંચમી વ્યક્તિ છે.



Google NewsGoogle News