દલાઇ લામાને મળવા USથી ભારત આવ્યા નેન્સી પેલોસી, ચીનને લાગ્યા મરચાં, કહ્યું- આવું નહીં ચાલે
Nancy Pelosi Meet Dalai Lama: અમેરિકાનું પ્રતિનિધિમંડળ દલાઈ લામાની મુલાકાતે ભારત આવ્યું છે. તે જાણીને ચીનના પેટમાં તેલ રેડાયું છે. વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યુએ કહ્યું હતું કે, ચીન કોઇપણ દેશમાં દલાઈ લામા દ્વારા ચલાવાઈ રહેલા ચીન વિરોધી અલગાવવાદી પ્રવૃત્તિઓનો સખત વિરોધ કરે છે.
કોણ છે પ્રતિનિધિમંડળમાં સામેલ
આ પ્રતિનિધિમંડળમાં ગ્રેગરી ડબલ્યુ મીક્સ, જિમ મેકગવર્ન, અમી બેરા, મેરિયનેટ મિલર-મીક્સ અને નિકોલ મેલિઓટાકિસનો સમાવેશ થાય છે. કાંગડા પહોંચ્યા બાદ પેલોસીએ કહ્યું, તે ભારતમાં આવીને રોમાંચ અનુભવી રહી છે.
અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારતમાં દલાઈ લામાની મુલાકાતે
દલાઈ લામા પોતાના ઘૂંટણની સારવાર માટે અમેરિકા જવાના છે. તે પહેલા જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ તેમને મળવા પહોચી ગયું હતું. વિદેશી મામલાની ઉપ-સમિતિના સભ્ય માઈકલ મેકકૉલે કહ્યું છે કે, ભારત અમેરિકાનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અને અમેરિકા તિબેટીયન લોકોની સાથે છે. અમેરિકી ડેલિગેશન 18-19 જૂન સુધી ભારતની મુલાકાતે છે. દલાઈ લામાને મળવા ઉપરાંત આ લોકો ભારતીય અધિકારીઓ અને પ્રતિનિધિઓને પણ મળશે.
દલાઈ લામાની મુલાકાતથી ચીન નારાજ
આ સમગ્ર ઘટના દરમિયાન ચીને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યુએ જણાવ્યું હતું, ચીન કોઈપણ દેશના સત્તાવાળાઓ દ્વારા દલાઈ લામા સાથેના સંપર્કનો વિરોધ કરે છે. ચીન ધાર્મિક આસ્થાની સ્વતંત્રતાની નીતિને અનુસરે છે. પણ તે વિરોધ સહેજ પણ સહન નહી કરે. આ પહેલા નેન્સી પેલોસી 2022માં તાઈવાન ગઈ હતી. ત્યારે પણ ચીને અમેરિકાને ચેતવણી આપી હતી. તે સમયે અમેરિકા અને ચીનના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયા હતા. નોંધનીય છે કે તિબેટમાં ચીન સરકાર વિરુદ્ધ બળવો શરૂ થયો હતો, ત્યાર બાદ દલાઈ લામા 1959માં ભારત આવી ગયા હતા.