VIDEO | નૈરોબીમાં ભીષણ આગ, ગેસ પ્લાન્ટમાં જ્વાળામુખી જેવો વિસ્ફોટ, 3નાં મોત, 300 ઘાયલ
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ગેસ પ્લાન્ટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી જેનો વીડિયો સામે આવ્યો છે
image : twitter |
Nairobi Explosion Video Viral Latest Update: કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ગેસ પ્લાન્ટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી જેનો વીડિયો સામે આવ્યો છે. વિસ્ફોટ બાદ રાત્રિના અંધકારમાં પણ ધૂમાડાના ગોટેગોટા ઊડતાં દેખાઈ રહ્યા છે. જેમાં વિશાળ જ્વાળાઓ તબાહીનું દ્રશ્ય દર્શાવે છે.
300થી વધુ લોકો ઘવાયા
આગની આ ઘટનામાં દાઝી જવાથી ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે 300 થી વધુ ઘાયલ થયા છે. જોકે અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધી શકે છે. આ બ્લાસ્ટ ગુરુવારે રાત્રે થયો હતો. રહેણાંક વિસ્તારમાં પ્લાન્ટ આવેલો હોવાથી મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા છે. વિસ્ફોટને લીધે એક પછી એક અનેક સિલિન્ડર ફાટ્યાં હતા જેના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ સિલિન્ડર કેમ ફાટ્યા તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં
અહેવાલ અનુસાર સરકારી પ્રવક્તાએ કહ્યું કે નૈરોબીના એમ્બાકાસી જિલ્લામાં ગુરુવારે રાતે આ ઘટના બની હતી. ગેસ સિલિન્ડર લઈ જતાં એક ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ ટ્રક એક અગનગોળો બની ગઇ હતી અને તેણે આખા પ્લાન્ટને લપેટમાં લઈ લીધો હતો.