10 વર્ષ પહેલા 240 યાત્રી સાથે ગુમ થયેલું મલેશિયન વિમાનનું રહસ્ય ખુલ્યું! વિજ્ઞાનીઓનો મોટો દાવો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
10 વર્ષ પહેલા 240 યાત્રી સાથે ગુમ થયેલું મલેશિયન વિમાનનું રહસ્ય ખુલ્યું! વિજ્ઞાનીઓનો મોટો દાવો 1 - image


Image Source: Twitter

Malaysia Flight Mh370 Mystery Update: આજથી 10 વર્ષ પહેલા 240 પેસેન્જરને લઈને ગુમ થયેલું મલેશિયન વિમાનનું રહસ્ય ખુલ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, અમને મલેશિયન વિમાન MH370ને ટ્રેસ કરવામાં સફળતા મળી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિમાન સમુદ્રમાં હજારો ફૂટ ઊંડે છે. દક્ષિણ હિંદ મહાસાગરમાં વિમાન 6000 મીટરની ઉંડાઈમાં એક ખાઈમાં છે. યુનિવર્સિટી ઓફ તસ્માનિયાના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મરીન એન્ડ એન્ટાર્કટિક સ્ટડીઝના વિજ્ઞાની વિન્સેન્ટ લિનનું કહેવું છે કે, આ ખાઈ એ જ જગ્યાએ છે જ્યાં પાયલટે પેનાંગ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ જ સિમ્યુલેટરની દિશા બદલી રસ્તો કાપી નાખ્યો હતો અને ફ્લાઈટને ખોટી દિશામાં લઈ ગયો હતો. ત્યાર બાદ ફ્લાઈટ રડાર પર નજર નહોતી આવી અને આજ સુધી તેના વિશે કંઈ માહિતી નથી મળી. 

8 માર્ચ 2014ના રોજ ગાયબ થયું હતું વિમાન

વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, વિમાન સમુદ્રમાં 20,000 ફૂટ ઊંડા પઠાર પર બનેલા રિજમાં ગાયબ થઈ ગઈ ગયું હતું અને રિજમાં 6,000 મીટર ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ એક ઉબડખાબડ જગ્યા છે અને તેના કારણે વિમાન લપસી ગયું અને ઉંડાણમાં ચાલ્યું ગયું. આ વિસ્તારમાં જો મલેશિયાની સરકાર સર્ચ ઓપરેશન હાથ ધરે તો વિમાનનો કાટમાળ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, 8 માર્ચ 2014ના રોજ મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ MH370 એ 240 પેસેન્જર સાથે કુઆલાલંપુરથી બેઈજિંગ માટે ઉડાન ભરી હતી. વિમાનમાં મોટાભાગના મુસાફરો ચીનના હતા. પરંતુ ફ્લાઈટ ટેકઓફના 40 મિનિટ બાજ જ વિયેતનામના એરસ્પેસમાં ઓસ્ટ્રેલિયા નજીક દક્ષિણ હિંદ મહાસાગરમાં ગુમ થઈ ગઈ હતી. ત્રણ દેશોની બચાવ ટુકડીઓએ હિંદ મહાસાગરના 120,000 ચોરસ કિલોમીટર (46,000 ચોરસ માઈલ) વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું હતું પરંતુ વિમાનનો કોઈ પત્તો નહોતો મળ્યો. 

છેલ્લો મેસેજ મોકલીને બંધ કરવામાં આવ્યું ટ્રાન્સપોન્ડર

મીડિયા અહેવાલ પ્રમાણે જ્યારે ફ્લાઈટ વિયેતનામની ઉપર હતી ત્યારે ફ્લાઈટના કેપ્ટન ઝહરી અહમદ શાહે ATCને મેસેજ મોકલ્યો હતો- 'ગુડ નાઈટ, મલેશિયન 370' અને ત્યારબાદ પાઈલટે ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધું હતું. ટ્રાન્સપોન્ડર બંધ થયા બાદ કોઈ પણ ફ્લાઈટને ટ્રેક નહોતી કરી શકાઈ, જેથી ફ્લાઈટ ગુમ થઈ ગઈ હતી. જ્યારે સેનાને બચાવ માટે તેહનાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઉત્તરી મલેશિયા અને પેનાંગ ટાપુ પર ફ્લાઈટનો રૂટ બદલાઈ ગયો હતો. તેને આંદામાન સાગરમાં ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ તરફ જતી જોવા મળી હતી અને પછી તે ગુમ થઈ ગઈ હતી. આજ સુધી તે વિમાનનો કાટમાળ નથી મળ્યો. 7 વર્ષ સુધી શોધખોળ કર્યા બાદ 2017માં સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે અચાનક વિજ્ઞાનીઓએ વિમાનના ગુમ થવાનું રહસ્ય ઉકેલી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે. 


Google NewsGoogle News