ચીનમાં પ્રસરી રહી છે રહસ્યમયી બીમારી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ હેલ્થ ડેટા માંગ્યા

કોરોના મહામારી પછી પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં

શ્વાસને લગતી બીમારીમાં વધારો થયો હોવાની ચીની અધિકારીઓની કબુલાત

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ચીનમાં પ્રસરી રહી છે રહસ્યમયી બીમારી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ હેલ્થ ડેટા માંગ્યા 1 - image


બેઇજિંગ,૨૩ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

ચીનમાં કોરોના વાયરસ પછી તાજેતરમાં એક રહસ્યમયી બીમારીએ કાળો કેર વરતાવ્યો છે પરંતુ આ અંગે કોઇ નકકર જાણકારી મળી શકી નથી.  ચીનના શિક્ષણ સંસ્થાનોના વિધાર્થીઓ અને ભણાવનાર સ્ટાફ શિકાર બન્યો છે. કોરોના મહામારી પછી પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં સારવાર માટે આવી રહયા છે. કેટલાકને દાખલ થવાની પણ નોબત આવી છે. 

થોડાક દિવસો પહેલા ચીનના આરોગ્ય અધિકારીઓએ પણ કબૂલી ચૂકયા છે કે દેશમાં શ્વાસને લગતી બીમારીમાં વધારો થયો છે. ચીની પ્રશાસનનું માનવું છે કે શ્વાસ સંબંધી તકલીફો વધવાનું કારણ કોરોના સમયે જે કેટલાક નિયંત્રણો મુકાયા હતા તેનું પાલન નહી થવું છે. ઇન્ફલૂએન્ઝા વાયરસ અને  માઇક્રોપુલાઝમાં ન્યુમોનિયા માટે જવાબદાર વાયરસ પણ પ્રસરી રહયા છે. ફેફસા પર વધારે અસર થવાથી દર્દીઓને એડમિટ કરવા પડયા છે. જો કે આને ન્યૂમોનિયા ગણવામાં આવી રહયો છે.  

દુનિયાએ કોરોનાકાળમાં પણ જોયું છે કે ચીન સ્વાસ્થ્ય અંગેના ડેટા બહાર પાડવામાં ખૂબજ પાછળ છે. બેઇજિંગમાં આજકાલ કાતિલ ઠંડી ચાલે છે. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાનો છે ત્યારે રહસ્યમયી બીમારી વધે તેની શકયતા છે. ચીનમાં શું ચાલી રહયું છે તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચિંતા વ્યકત કરી છે. વિશ્વ સંસ્થાએ ચીન પાસે ડેટા માંગીને હેલ્થ એડવાઇઝરી બહાર પાડવાની પણ સૂચના આપી છે એટલું જ નહી આ બીમારી અંગે દુનિયાએ એલર્ટ રહેવાની જરુર છે કે નહી તે જાણવું જરુરી છે. 


Google NewsGoogle News