મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો
Myanmar Earthquake Update: મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. દેશના એક લશ્કરી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં આછોમાં ઓછા 1000 લોકોનો મોત થયા છે અને 2376 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સી (USGS)નું કહેવું છે કે, મરનારાઓની સંખ્યા 10000 થી પણ વધારે હોઈ શકે છે. હજુ કાટમાળની નીચે દબાયેલી લાશો અને જીવિત બચેલા લોકોની શોધ ચાલુ છે.
આ પણ વાંચો : મ્યાનમારમાં 24 કલાકમાં 15 ભૂકંપ, થાઈલેન્ડમાં પણ તારાજી: મૃત્યુઆંક 1000ને પાર
ગઈકાલ 28 માર્ચ શુક્રવારે આવેલા આ ભૂંકપ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે, 900 કિલોમીટર દૂર આવેલા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તેની અસર જોવા મળી હતી. એક મીડિયા અહેવાલ પ્રમાણે કેટલીયે ઐતિહાસિક ઈમારતો અને પુલ જમીનદોસ્ત થઈ ગયા છે. ભારતમાં મેઘાલય અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં પણ આ ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. આ સિવાય બાંગ્લાદેશ અને ઢાકા અને ચટગાંવની સાથે સાથે ચીનમાં કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી.
ભાગવાનો મોકો પણ ન મળ્યો
મ્યાનમારમાં થયેલી આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, 'ભૂકંપ આવ્યો ત્યારે તે બાથરૂમમાં હતો. અને તેની સાથેના કેટલાક અન્ય લોકોએ પણ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પછી બીજો ભૂકંપ આવ્યો અને ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. મારા દાદી, કાકી અને કાકા હજુ પણ ગુમ છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારને મદદ કરવાની જાહેરાત કરી છે. ભારત દ્વારા 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ IAF C 130 J વિમાન દ્વારા મ્યાનમારમાં સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને અન્ય રસોડાની વસ્તુઓ સહિત 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે.
મ્યાનમાર સરકારે મદદ માંગી
મ્યાનમાર વર્ષોથી ગૃહયુદ્ધનો ભોગ બની રહ્યું છે. જેના કારણે દેશની સ્થિતિ બરોબર નથી. ભૂકંપ પછી તેઓ વીજળી અને પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ત્યાંની લશ્કરી સરકારના વડા, મીન આંગ હ્લેઇંગે, અન્ય દેશોને મદદ માટે અપીલ કરી છે.
તો ભૂકંપ બાદ થાઈ સરકારે બેંગકોકમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. 28 માર્ચે એક ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. 100 કામદારો હજુ પણ ગુમ છે.