મારી પત્ની બુશરા બીબીને ભોજનમાં ઝેર આપીને મારી નાંખવાનો પ્રયાસ, ઈમરાન ખાનના કોર્ટમાં ગંભીર આક્ષેપો
Image Source: Twitter
હાલમાં જેલના સળિયા ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ચોંકાવાનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, મારી પત્ની બુશરા બીબીની હત્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
ઈમરાન ખાને કોર્ટમાં કહ્યુ હતુ કે, બુશરાને તેના ઘરમાં ઝેર આપવામાં આવ્યુ છે. બુશરા હાલમાં પોતાના ઘરમાં જ બંધ છે. પાકિસ્તાનની સરકારે આ ઘરને સબ જેલમાં ફેરવી નાંખ્ય છે. બીજી તરફ ઈમરાન ખાન રાવલપિંડીની અડિયાલા જેલમાં છે.
તોશાખાના કેસની સુનાવણી દરમિયાન ઈમરાને કોર્ટમાં કહ્યુ હતુ કે, ઝેર આપ્યા પછી પણ બુશરા બચી ગઈ છે પણ તેની ત્વચા અને જીભ પર ઝેરના નિશાન હજી દેખાય છે. કોર્ટ દ્વારા બુશરાની તબીબી તપાસ કરાવવામાં આવે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, બુશરા બીબીને ઝેર કોના ઈશારે આપ્યુ છે તેની મને ખબર છે. જો તેને કશું થયુ તો તેની તમામ જવાબદારી પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની હશે. બુશરા બીબીની દરેક હિલચાલ પર પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ નજર રાખી રહી છે.
ઈમરાને શંકા વ્યક્ત કરી હતી કે, જો અદાલત બુશરા બીબીના મેડિકલ ચેક અપનો આદેશ આપે તો પણ એવી શક્યતા છે કે, મને ખોટો ઠેરવવા માટે મેડિકલ રિપોર્ટ પણ બદલી નાંખવામાં આવે. આ પ્રકારની સ્થિતિ ના સર્જાય તે માટે શૌકત ખાનમ મેમોરિયન કેન્સર હોસ્પિટલના ડોકટર અસીમ યૂનુસ પાસે જ તેનુ મેડિકલ ચેક અપ કરાવવામાં આવે. એ પછી કોર્ટે ઈમરાન ખાનને પહેલા એક અરજી આપવાનુ કહ્યુ હતુ અને પછી આગળ કાર્યવાહી થશે તેમ જણાવ્યુ હતુ.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના નેતાઓ ફેબ્રુઆરીમાં પણ આ વાત કરી ચુકયા છે. પાર્ટીના મહિલા વિંગના અધ્યક્ષ કંવલ શૌજાબે કહ્યુ હતુ કે, બુશરા બીબીને હાનિકારક ભોજન અપાઈ રહ્યુ છે અને તેમની તબિયત બગડી રહી છે. બુશરા બીબીના જીવનને ગંભીર ખતરો છે.
ઈમરાન ખાન અને બુશરા બીબીને તોશાખાનમાં આવેલી ભેટ સોગાદો વેચવાના મામલામાં 14 વર્ષની સજા થયેલી છે. જેમાં બુશરા બીબીને ઘરમાં જ નજર કેદ રાખવામાં આવ્યા છે. હાલમાં તો નીચલી કોર્ટની સજા પર હાઈકોર્ટે રોક લગાવેલી છે.