મારી યાદશક્તિ બરાબર છે, માનસિક ક્ષમતા અંગે રિપોર્ટમાં થયેલા ઉલ્લેખ બાદ ભડકયા બાઈડન
image : Twitter
વોશિંગ્ટન,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની યાદ શક્તિ નબળી પડી ગઈ હોવાથી તેઓ વારંવાર પ્રવચન દરમિયાન કશુંને કશું ભુલી જતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.
જોકે બાઈડન હવે પોતાના ટીકાકારો પર ભડકયા હતા અને તેમણે લાઈવ ટેલિવિઝન પર કહ્યુ છે કે, મારી યાદશક્તિ એકદમ બરાબર છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાય તે પહેલા ગુપ્ત દસ્તાવેજોના દુરપયોગના મામલામાં બાઈડનને રાહત મળી છે. આ અંગેના રિપોર્ટમાં બાઈડનનો ઉલ્લેખ સારા ઈરાદા ધરાવતા વ્યક્તિની સાથે સાથે નબળી યાદશક્તિ ધરાવતા વૃધ્ધ તરીકે પણ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, બાઈડનને પોતાના ઉપરાષ્ટ્રપતિ બનવાની કે પોતાના પુત્રનુ કેન્સરથી મોત થવાની તારીખ પણ યાદ નથી. બાઈડનની યાદશક્તિને જોતા જ્યુરીએ ગુપ્ત દસ્તાવેજોના મામલામાં તેમને દોષી માન્યા નથી. જોકે આ રિપોર્ટના કારણે બાઈડન ભારે લાલચોળ થઈ ગયા હતા.
તેમણે આ ટિપ્પણીની સામે લાઈવ ટેલિવિઝન પર ભારે રોષ સાથે કહ્યુ હતુ કે, મારી યાદશક્તિ બરાબર છે. મને મારા પુત્રના નિધનની તારીખ યાદ નથી તેવુ કહેવાની હિંમત કેવી રીતે થઈ ? મારે કોઈને કહેવાની જરુર નથી કે મારા દીકરાનુ મોત કયા દિવસે થયુ હતુ..મેં ગુપ્ત દસ્તાવેજોને રાખવાના મામલામાં કોઈ કાયદો તોડયો નથી અને મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. હું આ દેશનો રાષ્ટ્રપતિ છું અને મેં આ દેશને ફરી પગ પર ઉભો કર્યો છે. મેં રાષ્ટ્રપતિ બન્યા પછી કયા કામ કર્યા છે તેના પર મારા ટીકાકારોએ નજર નાંખવાની જરુર છે.
આ પહેલા ડેમોક્રેટિક પાર્ટીની બેઠકમાં પણ આ રિપોર્ટ પર ચર્ચા થઈ હતી. જેમાં બાઈડને ઉપરોક્ત રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, હું ખુશ છું કે મારા પર કોઈ આરોપ લગાવાયો નથી. તપાસમાં સામે આવી ગયુ છે કે મેં ટ્રમ્પની સામે સંપૂર્ણ રીતે સહયોગ કર્યો હતો. ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજો પાછા આપવાનો ઈનકાર કરીને અદાલતની કાર્યવાહીમાં વિઘ્ન ઉભુ કરવાની કોશિશ કરી હતી.
બીજી તરફ વિરોધી રિપબ્લિકન પાર્ટીએ બાઈડન અંગેના રિપોર્ટને આગળ ધરીને બાઈડન પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ રિપોર્ટથી ખબર પડે છે કે, બાઈડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે લાયક નહોતા.