Get The App

દુશ્મનોના મનસુબા ખતમ કરી નાખીશું : દુનિયાના મુસ્લિમો એક થાય : જુમ્માની નમાઝ પછી ખામેનીએ આપેલું એલાન

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
દુશ્મનોના મનસુબા ખતમ કરી નાખીશું : દુનિયાના મુસ્લિમો એક થાય : જુમ્માની નમાઝ પછી ખામેનીએ આપેલું એલાન 1 - image


- સાઈપ્રસમાં ઈઝરાયલી રાજદૂતનું અપહરણ

- ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેની ગુપ્તવાસમાં ગયા નથી, તેમણે કહ્યું : ઈઝરાયલ દુનિયાભરના મુસ્લિમોનું દુશ્મન છે

તેહરાન : તેહરાનની ગ્રાન્ડ મુસલ્લાહ મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કર્યા પછી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ અલિ ખામેનીએ આગ ઝરતું એક ભાષણ આપ્યું હતું. તેમાં કહ્યું દુનિયાભરના મુસ્લિમો એક થાય, અલ્લાહે દર્શાવેલ માર્ગમાંથી આપણે ન હઠીએ. દુશ્મનો પોતાની શેતાની કાર્યવાહી ચલાવી રહ્યા છે. પરંતુ, મુસ્લિમો એક થઈ જશો તો તેમનું ભલું થશે. આપણે દુશ્મનોના મનસૂબા નાકામ કરી શકીશું. તેઓ (ઈઝરાયલ) મુસ્લિમોમાં જ આપસી દુશ્મનાવટ વધારવા માગે છે. તેઓ પેલેસ્ટાઇનીઓ અને યમનના પણ દુશ્મન છે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ એક સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહ તેના નસરલ્લાહનાં મૃત્યુ થયા પછી ખામેનીએ આપેલા આ પહેલા પ્રત્યાઘાત હતા.

ખામેનીએ કહ્યું તેઓ (ઈઝરાયલ) દુનિયાભરના મુસ્લિમોનું દુશ્મન છે. કેટલાએ સ્થાનોએ મુસલમાનો ઉપર જુલ્મો થઈ રહ્યા છે. માત્ર આપણી ઉપર જ નહીં, પરંતુ પેલેસ્ટાઈનીઓ અને યમનના નિવાસીઓના પણ દુશ્મન છે. આથી જ હું આરબ મુસલમાનોને કહું છું કે અમને સાથ આપો. લેબેનોન માટે અમે બધું જ કરી છૂટીશું. હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહની શહીદી આપણા માટે ભારે મોટી ખોટ બની રહી છે, તેઓની શહીદીથી અમોને અનહદ દુ:ખ છે.

ઈઝરાયલના વધી રહેલા હુમલા પછી એવું કહેવાતું હતું કે, ખામેની કોઈ સુરક્ષિત સ્થાનમાં છુપાઈ ગયા છે. પરંતુ જુમ્માની નમાઝ સમયે તેઓ હજ્જારો લોકો સમક્ષ ઉપસ્થિત થયા તે દર્શાવે છે કે તેઓ કોઈ ગુપ્ત સ્થાનમાં સંતાઈ ગયા નથી.

છેલ્લા પાંચ વર્ષો પછી પહેલી જ વાર જાહેરમાં આવેલા આ ધાર્મિક નેતાએ ગત વર્ષે સાતમી ઓકટોબરે હમાસ દ્વારા દક્ષિણ ઈઝરાયલમાં કરાયેલા હુમલાને ન્યાયયુક્ત અને યોગ્ય કહ્યા હતા. તેમજ ઇરાને ઈઝરાયલ પર વરસાવેલા મિસાઇલ હુમલાને પણ યોગ્ય કહ્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે, કબજા નીચેના પેલેસ્ટાઇન ઉપર હુમલા કરવાનો ઇરાનને સંપૂર્ણ અધિકાર છે. ઇરાનને પોતાના સ્વરક્ષણનો અધિકાર છે. ઇરાન અને તેના સાથીઓએ દુશ્મનોને ખતમ કરવા જ જોઈએ.

મોડેથી મળતા સમાચાર જણાવે છે કે સાયપ્રસમાં ઈઝરાયલ રાજદૂતનું અપહરણ કરાયું છે. તેને ક્યાં લઈ જવાયા છે, તેનો પત્તો નથી.

દરમિયાન નસરલ્લાહને અજ્ઞાાત સ્થળે દફનાવવામાં આવ્યો છે.


Google NewsGoogle News