અમેરિકામાં મુસ્લિમ નર્સે ગાઝા યુદ્ધને ઈઝરાયેલનો નરસંહાર કહેતા કાઢી મૂકી
- શરૂશ લેંગોને હેલ્થ હોસ્પિટલના પ્રવકતાએ કહ્યું : કામ પર આવો ત્યારે આવું ન કહેવું તેમ તેને વારંવાર કહેવામાં આવ્યું હતું
ન્યૂયોર્ક : ન્યૂયોર્કની એક હોસ્પિટલે પેલેસ્ટાઇનિયન અમેરિકી મુસ્લીમ નર્સને તેણે ગાઝા યુદ્ધને ઈઝરાયલ દ્વારા થઈ રહેલાં આક્રમણને 'નર-સંહાર' કહેતાં નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે.
વાસ્તવમાં આ નર્સ સુવાવડ અને નવજાત શિશુની સાર-સંભાળ એટલી સારી રીતે અને ધ્યાનપૂર્વક કરાવતી હતી કે તેને તે માટે એવોર્ડ આપવાનું ન્યૂયોર્ક સ્ટેટના આરોગ્ય વિભાગે નક્કી કર્યું હતું. પરંતુ તે એવોર્ડ સ્વીકારતી વખતે જ તે નર્સે ગાઝા યુદ્ધમાં ઈઝરાયલ 'નર-સંહાર' કરી રહ્યું છે તેમ તેમના એવોર્ડ સ્વીકૃતિ પ્રવચનમાં કહ્યું હતું. તેથી તેને નોકરીમાંથી છુટી કરવામાં આવી હતી.
આ નર્સ જેનો પતિ મૃત્યુ પામ્યો હોય પરંતુ તે પહેલાં જ સગર્ભા થઈ રહી હોય તેવી યુવતીઓને સાંત્વના આપવા માટે ખ્યાતનામ બની રહી હતી. આમ છતાં તેણે એવોર્ડ સ્વીકૃતિ વખતે ઈઝરાયલની કરેલી ઉગ્ર ટીકા અને તેના દ્વારા ગાઝામાં થઈ રહેલા 'નરસંહાર' કહેતા તેને હોસ્પિટલમાંથી છૂટી કરવામાં આવી હતી.
આ અંગે હોસ્પિટલના પ્રવકતાએ કહ્યું હતું કે તે ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી વારંવાર આવું સૌ કોઈને ખાસ કરીને સુવાવડ માટે આવતી મહિલાઓને કહેતી હતી. તેમ ન કરવા તેને વારંવાર ચેતવણી છતાં તે ચેતી નહીં તેથી તેને નોકરીમાંથી ફારેગ કરાઈ છે.