ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ
Image Source: Twitter
- OICની બેઠકમાં ગાઝા સંઘર્ષ પર ચર્ચા કરવામાં આવશે
નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2023, શનિવાર
ગાઝામાં ઈઝરાયેલી હુમલા વિરુદ્ધ મુસ્લિમ દેશો એકજૂટ થઈ રહ્યા છે. સાઉદી અરબના રિયાદમાં ગાઝાના મુદ્દા પર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસલામિક કોર્પોરેશનની બેઠક થવા જઈ રહી છે અને આ બેઠકમાં સામેલ થવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ પણ સાઉદી અરબ જશે. થોડા સમય પહેલા સુધી ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ખટાશ હતી પરંતુ ચીનની મધ્યસ્થી બાદ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.
OICની બેઠક મહત્વપૂર્ણ
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી શનિવારે રિયાદ માટે ઉડાન ભરશે. OICની બેઠકમાં ગાઝા સંકટ પર ચર્ચા કરવામાં આવશે. OICની આ બેઠક અંગે ઈરાન કેટલું ગંભીર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ઈરાને પોતાના નિષ્ણાંતોની એક ટીમ રિયાદ મોકલી દીધી છે જે સમ્મેલન દરમિયાન જારી થનારા પ્રસ્તાવનું વિશ્લેષણ કરશે. સાઉદી અરબમાં ઈરાનના રાજદૂત અલીરેઝા ઈનાયતીએ આ OIC બેઠકને ખાસ ગણાવી અને કહ્યું કે, આ બેઠક વિવિધ ઈસ્લામિક દેશો દ્વારા સૂચવવામાં આવેલા પ્રસ્તાવો પર આધારિત હશે.
ઈસ્લામિક દેશોની માંગ- ગાઝામાં તાત્કાલિક લડાઈ રોકો
ઈસ્લામિક દેશોની માંગ છે કે, ગાઝા પટ્ટીમાં ચાલી રહેલ સંઘર્ષ તાત્કાલિક બંધ થવો જોઈએ અને ઈઝરાયેલ યુદ્ધ વિરામ કરે. જોકે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થશે. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 12,500થી પણ વધુ લોકો માર્યા ગયા છે. હવે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષના મુદ્દે ઈસ્લામિક દેશો એકજૂટ થઈ રહ્યા છે. તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ પણ બ્રિક્સ દેશોને પત્ર લખીને ગાઝા મુદ્દામાં હસ્તક્ષેપ કરવા અને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી હતી. અને સાથે જ ઈરાને ઈઝરાયેલની જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી.