મસ્કની ન્યુરાલિંકને સફળતા માણસના મગજમાં ચીપ લગાવી
- યુએસ એફડીએએ સપ્ટેમ્બર ૨૦૨૩માં માનવ પરીક્ષણની મંજૂરી આપી હતી
- ન્યુરાલિંકની 'ટેલીપથી' પ્રોડક્ટની મદદથી યુઝર્સ માત્ર વિચારોથી જ કમ્પ્યુટર અને સ્માર્ટફોનને નિયંત્રિત કરી શકશે
- વર્ષ 2030 સુધીમાં 22 હજાર લોકો પર બ્રેઈન ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનું કંપનીનું લક્ષ્ય
- આ સંશોધન પાર્કિન્સન અને એએલએસ જેવી ન્યુરોલોજિકલ બીમારીની સારવારમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે
વોશિંગ્ટન : દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કની બ્રેઈન ચીપ સ્ટાર્ટઅપ ન્યુરાલિન્કે એક માનવ દર્દીના મગજમાં સફળતાપૂર્વક ચીપ ઈમ્પ્લાન્ટ કરી છે. ન્યૂરોટેક્નોલોજી કંપની માટે આ સીમાચિહ્નરૂપ ઘટના છે. ઈલોન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર ઐતિહાસિક ઘટનાક્રમની માહિતી આપી છે. ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક લાંબા સમયથી માણસના મગજમાં ચીપ લાવવા પર કામ કરી રહી હતી. કંપનીને સપ્ટેમ્બરમાં અમેરિકન એફડીએ તરફથી પરીક્ષણ માટે મંજૂરી મળી હતી. ન્યૂરાલિંકની આ સિદ્ધિ ન્યુરોટેક્નોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે, જે સંભવિતપણે માનવ-કમ્પ્યુટર ઈન્ટરેક્શનના નવા યુગની શરૂઆત સમાન છે.
'લિંક' તરીકે ઓળખાતી ન્યુરાલિંકની ચીપ ઈમ્પ્લાન્ટ કરાવનાર સૌપ્રથમ વ્યક્તિનું સ્વાસ્થ્ય હવે સુધરી રહ્યું છે. મસ્કે એક્સ પ્લટેફોર્મ પર રવિવારે લખ્યું હતું કે આ ઘટનાના પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે. પ્રાથમિક પરિણામો આશાસ્પદ ન્યૂરોન સ્પાઈક શોધ દર્શાવે છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ જેને કોષ તરીકે વર્ણવે છે તે ચેતાકોષો દ્વારા થતી પ્રવૃત્તિને સ્પાઈક્સ કહે છે. આ કોષો મગજ અને શરીરને માહિતી મોકલવા માટે ઈલેક્ટ્રિકલ અને રાસાયણિક સંકેતોનો ઉપયોગ કરે છે.
ઈલોન મસ્ક અને ન્યુરાલિંકે ઈમ્પ્લાન્ટ ક્યારે થયું, કયા દર્દી પર કરાયું અથવા તે કેટલું સફળ થયું તે અંગે કોઈ વધુ વિગતો આપી નથી. આ ટ્રાયલ્સમાં કેટલા માણસો જોડાયા હતા તે પણ સ્પષ્ટ થયું નથી, પરંતુ ન્યુરાલિંકની વેબસાઈટ પર જણાવાયું છે કે પહેલી હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ ભરતી માટે ખુલ્લી છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ગયા વર્ષે ન્યૂરાલિંકને માણસો પર તેની ચીપનું ઈમ્પ્લાન્ટ કરવાના પહેલા ટ્રાયલને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બરમાં ન્યુરાલિંકે જણાવ્યું હતું કે, તેને પેરાલિસીસના દર્દી પર માનવ પરીક્ષણ હાથ ધરવા મંજૂરી મળી ગઈ છે.
આ પરીક્ષણ હેઠળ એક રોબોટ સર્જરી દ્વારા માણસના મગજના બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (બીસીઆઈ) ભાગ પર ચીપ ઈમ્પ્લાન્ટ કરે છે. ન્યૂરાલિંકે અગાઉ જણાવ્યું હતું કે તેનો પ્રારંભિક ધ્યેય લોકોને માત્ર તેમના વિચારોથી જ કમ્પ્યુટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે. ઈમ્પ્લાન્ટ્સના 'અલ્ટ્રા-ફાઈન' થ્રેડ્સ માણસના મગજમાં સંકેતો પ્રસારિત કરવામાં મદદરૂપ થાય છે. ન્યુરાલિંકનું પહેલું ઉત્પાદન ટેલીપથી તરીકે ઓળખાશે.
ટેલીપથી અંગે ઈલોન મસ્કે જણાવ્યું છે કે આ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેમના હાથ અથવા પગ નહીં હોય અથવા જેઓ કામ નથી કરી શકતા. આ પ્રોડક્ટની મદદથી યુઝર્સ મગજથી જ કમ્પ્યુટર અને સ્માર્ટફોનને નિયંત્રિત કરી શકશે. આ સંશોધન પાર્કિન્સન અને એએલએસ જેવી ન્યુરોલોજિકલ બીમારીની સારવારમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. વધુમાં કંપનીનો આશય માનવ ક્ષમતાઓને વધારવાનો માણસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વચ્ચે સહજીવન સંબંધને પ્રોત્સાહન આપવાનો છે.
હાલ કંપનીના આ ટ્રાયલનો આશય વાયરલેસ બ્રેન કમ્પ્યુટર ઈન્ટરફેસ પર કામ કરવાનો છે. તેમાં સર્જિકલ રોબોટ અને ઈમ્પ્લાન્ટની સુરક્ષા પર ધ્યાન અપાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યુરાલિંકે આ માટે કેટલાક વોલન્ટિયર્સની પસંદગી કરી હતી અને તેમના પર તેની ટ્રાયલ શરૂ કરાઈ હતી. અગાઉના રિપોર્ટમાં સામે આવી ચૂક્યું છે કે કંપનીનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ૨૨ હજાર લોકો પર બ્રેઈન ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનું છે.
બીસીઆઈ ટેક્નોલોજીમાં ન્યુરાલિંક અને સીનક્રોનની ટેક્નોલોજી અલગ
ન્યુરાલિંક અને સીન્ક્રોન બંને બ્રેઈન કમ્પ્યુટર ટેક્નોલોજી વિકસાવી રહી છે. આ ટેક્નોલોજી પાર્કિન્સન અને અન્ય ન્યુરોલોજિકલ બીમારીઓથી પીડિત દર્દીઓને દૈનિક જીવન સરળતાથી જીવવામાં મદદરૂપ થઈ શકે છે. બંને કંપનીઓનો મૂળ આશય માણસને માત્ર વિચારોથી જ કમ્પ્યુટર્સ, સ્માર્ટફોન્સ સહિત ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવાનો છે. બ્રેઈન કમ્પ્યુટર ટેક્નોલોજીના ઊભરી રહેલા ક્ષેત્રમાં કાર્યરત ન્યુરાલિંક અને સીન્ક્રોન તેમની ટેક્નોલોજીની રીતે અલગ અલગ છે. ન્યુરાલિંક બ્રેઈન સ્ટીમ્યુલેશન પર કામ કરે છે. તે માનવ મગજના ટીસ્યુમાં ઈલેક્ટ્રોડ્સ ઈમ્પ્લાન્ટ કરે છે, જે બેટરી સાથે સંકળાયેલા હોય ચે. આ ઈલેક્ટ્રોડ જરૂર પડે ત્યારે મગજમાં ન્યુરલ એક્ટિવિટીમાં ફેરફાર કરશે અથવા બદલશે. બીજીબાજુ સીનક્રાન સ્ટેનટ્રોડ પર નિર્ભર છે, જે સ્ટેન્ટ જેવી જ એક ડિવાઈસ છે. આ ડિવાઈસને મગજમાં હલન-ચલન માટે જવાબદાર ભાગ નજીક બ્લડ વેસલ એટલે કે રક્તવાહિનીમાં મુકાય છે. ત્યાર પછી તે જરૂર હોય ત્યારે મગજમાં ઈલેક્ટ્રોડ્સને ઈલેક્ટ્રિક કરન્ટ મોકલે છે.