ઈલોન મસ્કનું નવું લક્ષ્ય, પોતાનું ખાનગી શહેર બનાવશે, જ્યાં બધા મકાન ભાડે હશે અને...
- ટેક્સાસમાં સ્ટારબેઝ નામનું પ્રાઇવેટ સિટી બનાવશે
- પ્રાઇવેટ સિટીમાં બધા મકાનો ભાડે હશે અને ત્યાં રહેનારા લોકો મસ્કની કંપનીમાં કામ કરતાં હશે
Elon Musk Private City News | કંઈક નવું ન કરે તો ઇલોન મસ્ક નહી. અમેરિકાના આ સફળ ટેકનોક્રેટ અબજપતિએ નવી જ પરિકલ્પના વહેતી મૂકી છે. આ પરિકલ્પના છે, કંપનીના માલિકીના પોતાના શહેરની. તેમા મુખ્યત્વે કપંનીના કર્મચારીઓ રહેશે અને પછી બીજા સામાન્ય લોકો રહેશે. આ શહેરનું સંચાલન સ્થાનિક લોકોએ ચૂંટેલી વ્યક્તિના હાથમાં હશે અને તે આ શહેરની કામગીરી સંભાળશે.
મસ્ક સાઉથ ટેક્સાસમાં પોતાનું જ કોસ્ટલ ટાઉન બનાવવા આયોજન કરી રહ્યો છે. આમ તે ટેક્સાસમાં નવી મ્યુનિસિપાલિટી બનાવી રહ્યો છે. જો કે આ માટે તેને બહુમતી રહેવાસીઓ અને વોટરોનું સમર્થન જોઈશે. મસ્ક સાઉથ ટેક્સાસમાં સ્ટારબેઝ ખાતે નવું ટાઉન બનાવવાનો છે. આ સ્થળ આમ પણ મસ્કના કર્મચારીઓના ઘર તરીકે તો જાણીતું છે.
આ મહિને કર્મચારીઓએ સ્ટારબેઝને ટાઉન બનાવવા મોટું પગલું લીધું હતું અને સહી કરાવવાનું શરુ કર્યુ હતુ અને ચૂંટણી યોજવા અરજી પણ કરી દીધી છે. આ સ્ટારબેઝ કમ્યુનિટીમાં હાલમાં 500 જણા રહે છે. તેમા 219 મુખ્ય રહેવાસીઓ અને 100 બાળકો છે. અરજી મુજબ આ ટાઉન 1.5 ચોરસ માઇલમાં ફેલાયેલુ છે અને તેના રહેવાસીઓ મુખ્યત્વે ભાડે રહેનારા હશે તથા સ્પેસેક્સ માટે કામ કરતા હશે.
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં બુશ સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ એન્ડ પબ્લિક સર્વિસના એસોસિયેટ પ્રોફેસર રોબર્ટ ગ્રીયરે જણાવ્યું હતું કે જો તમે પોતાનું શહેર બનાવો છો તો તેના માટે પ્રમાણમાં ઘણો નાનો વિસ્તાર જોઈશે. તમારો તે વિસ્તાર પર પૂરેપૂરો અંકુશ હોવો જરુરી હશે. સ્ટાર બેઝના જનરલ મેનેજર કેથરીન લ્યુડર્સે જણાવ્યું હતું કે સ્ટારબેઝની સ્થાપનાની સાથે તેમા ઉપયોગી જરુરી સગવડો વિશ્વસ્તરીય બનાવવી જરુરી છે. ભવિષ્યમાં આ જ પ્રકારના શહેરો અસ્તિત્વમાં આવી શકે છે.
સ્પેસેક્સ તેનું શહેર વિસ્તારી રહ્યું છે તો તેની સામે કેટલાક સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. પ્રસ્તાવિત શહેરને મંજૂરી મળી ગઈ તો તેના સિક્યોરિટી મેનેજર ગુન્નાર મિલબર્ન તેના પ્રથમ મેયર હશે. આ આયોજનમાં આગળ વધીને મસ્ક વધુ એક ઇતિહાસ રચશે.