દુનિયાના સૌથી ધનિક બાદ સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા ઈલોન મસ્ક તત્પર, ખેલ કર્યો શરૂ!
Elon Musk News | નવેમ્બર મહિનામાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા ઉપર આવ્યા અને તેમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કની મહત્વની ભૂમિકા રહી છે. ઈલોન મસ્કે તન, મન અને ધનથી ટ્રમ્પને ચૂંટણી અભિયાન અને પ્રચારમાં મદદ કરી છે. આ સામે પોતાના વહીવટી તંત્રમાં મસ્કને મહત્વનું પદ શિરપાવ તરીકે મળ્યું છે. જોકે, અત્યારે અમેરિકામાં ચર્ચા છે કે મસ્ક અત્યારે ચૂંટાયા વગરના પણ સૌથી પ્રભાવશાળી, શક્તિશાળી વૈશ્વિક નેતા છે. સવાયા રાષ્ટ્રપતિ ગણાતા ટ્રમ્પ હવે વિશ્વભરના દેશો ઉપર પોતાનો પ્રભાવ પાડી કિંગમેકરની ભૂમિકા ભજવવા તૈયાર થઇ રહ્યા છે. મસ્કે અમેરિકન સરકાર અને તંત્રમાં જંગી ફેરફાર કરવા, સરકારનું બજેટ ૩.૩ ટ્રીલીયન ડોલર કેવી રીતે ઘટાડવું એના ઉપર કાર્ય કર્યું છે. બીજી તરફ, મસ્ક હવે વિશ્વના અન્ય દેશોની રાજકીય સ્થિતિમાં નિવેદન કરી, મદદની જાહેરાત કરી હસ્તક્ષેપ કરી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીતેલા ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી. ૨૦૨૫ના રોજ પોતે સત્તા સંભાળે પછી કેવો સપાટો બોલાવશે તેની વાતો કર્યા કરે છે અને ખુલ્લી ધમકીઓ આપે છે તેના કારણે દુનિયામાં સર્વત્ર ડોનાલ્ડ ટ્રમ્પની જ ચર્ચા છે. અમેરિકાના પ્રમુખ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે તેથી તેમની ચર્ચા થાય એ સ્વાભાવિક છે પણ આશ્ચર્યજનક રીતે ટ્રમ્પ જેટલી જ ચર્ચા એલન મસ્કની પણ છે.
વિશ્વના ૧૪૦ દેશોના સકળ અર્થતંત્રના જીડીપી કરતા વધારે સંપત્તિ ધરાવતા ઈલોન મસ્કે હવે પોતાના પ્રભાવ વધારવા માટે યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ફ્રાંસ ઉપર નજર દોડાવી છે. રીફોર્મ યુકે પાર્ટીના વડા નાઈજલ ફરાજને ૧૦ કરોડ ડોલરનું દાન આપવા અંગે મસ્કે જાહેરાત કરી છે. રાઈટ વિંગ પોલીટીકલ વિચારધારા ધરાવતા, બ્રિટનમાં બહારથી વસવાટ કરવા આવતા લોકો ઉપર અંકુશ મૂકવા, મુસ્લિમો ઉપર વધારે અંકુશ હોવો જોઈએ એવી વાતો કરતા ફરાજ અત્યારે બ્રિટીશ સંસદમાં સભ્યની દ્રષ્ટીએ બહુમત ધરાવતા નથી પણ તેમની વિચારધારા મસ્ક અને ટ્રમ્પ સાથે મેળ ખાય છે. નાઈજ્લ ફરાજે પોતે મસક સાથે સંપર્ક હોવાનું અને મદદ કરવાની ખાતરી મળી હોવાનું સ્વીકાર્યું છે.જર્મનીમાં ક્રિસમસ બજાર ઉપર સાઉદી અરબ નાગરિકે બેફામ ગાડી ચલાવતા બે વ્યક્તિના મોત થયા હતા.
આ ઘટનાની નોંધ લેતા જર્મનીના સત્તાપક્ષે રાજીનામું આપવા સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપ્યા હતા. રાઈટ વિંગ વિચારધારા વાળા ઓલ્ટરનેટિવ ફોર જર્મની(AfD) નામના કટ્ટરવાદી જમણેરી પક્ષ પણ જર્મનીમાં મુસ્લિમોના આતંકવાદનો ખાતમો કરવા અને વિદેશીઓ માટે દેશના દરવાજા બંધ કરવાની તરફેણ કરે છે. હુમલા પછી મસ્કે એએફડીનાં નેતા એલિસ વેઈડેલ સાથે વાત કરીને તેમને પણ મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત, ફ્રાંસ અને ડેન્માર્કના જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. ફ્રાંસમાં લે પેન અને ડેન્માર્કમાં ગ્રીટ વિલ્ડર્સને પણ મદદ કરવા માટેના સંકેત આપ્યા છે. ઇટાલીના વડા જ્યોર્જીયા મેલોનીને પણ મસ્કનો ટેકો છે. બન્ને વચ્ચે એક ખાનગી મુલાકાત પણ થઇ હતી તેના પછી મસ્કે મેલોનીને જીનિયસ લેખાવ્યા હતા.
યુરોપની રાજકીય ગતિવિધિઓ ઉપર નિવેદન અને કટ્ટરવાદી વિચારધારાને સમર્થન આપવા અંગે ઈલોન મસ્ક સામે હવે યુરોપમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જર્મનીમાં જાન્યુઆરીમાં ચૂંટણી છે અને ફ્રાંસમાં ફેબ્રુઆરીમાં આ બન્ને દેશોના ડાબેરી નેતાઓ ઈલોન મકસ ઉપર યુરોપીયન યુનિયન પ્રતિબંધ લાદે એવી માંગ ઉઠાવી રહ્યા છે.
વોશિંગ્ટનમાં રાજદ્વારી નીતિ માટે પણ મસ્ક કઠીન સમસ્યા ઉભી કરી રહ્યા છે. યુરોપ અને અમેરિકા હંમેશ મિત્રતા અને સહકારના સંબંધો ધરાવે છે. મસ્ક જે રીતે સત્તાપક્ષના બદલે વિરોધીઓની પ્રશંસા કરી રહ્યા છે તેના કારણે ટ્રમ્પ સરકાર માટે એક મોટો પડકાર પણ ઉભો થઇ શકે છે. જોકે, આર્થિક રીતે અત્યંત ધીમો વૃદ્ધિ દર, ગેરકાયદેસર ઘુસણખોરીનો સામનો કરી રહેલા યુરોપ પાસે અત્યારે અમેરિકા સામે આક્રમક પગલાં લઇ શકાય એવો વિકલ્પ નથી.
મસ્કની ભૂમિકા માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી પણ દુનિયાના બીજા દેશોના ટોચના નેતાઓ સાથે પણ તેમની બેઠકોનો દૌર ચાલ્યા કરે છે. આ કારણે મસ્ક દુનિયામાં નવા કિંગમેકર તરીકે ઉભરી રહ્યા છે. ભાજપ જેમને ભારત વિરોધી ગણાવીને ગાળો આપે છે એ જ્યોર્જ સોરોસે દુનિયાભરની રાજકીય પાર્ટીઓને દાન આપીને જબરદસ્ત વગ ઉભી કરી હતી. સોરોસના દુનિયાભરના રાજકીય નેતાઓ સાથેના સંબધો અત્યંત ગાઢ હતા તેથી ઘણાં મસ્કને વૈશ્વિક સ્તરે નવા જ્યોર્જ સોરોસ ગણાવે છે પણ મસ્કની સ્ટાઈલ અને સ્ટ્રેટેજી બંને બિલકુલ અલગ છે.
સોરોસ સત્તામાં હોય તેની સાથે સંબધો વધારતા જ્યારે મસ્ક ભવિષ્યમાં કોને સત્તામાં લાવી શકાય એ વિશે વિચારીને બેઠકો કરી રહ્યા છે. તેના કારણે મીડિયાનો અને રાજકીય વિશ્લેષકોનો મોટો વર્ગ મસ્કને નવા કિંગમેકર ગણાવી રહ્યો છે. મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ પર દાવ લગાવ્યો ત્યારે ટ્રમ્પની હાલત બહુ સારી નહોતી. જો બિડેન પ્રમુખપદના ઉમેદવાર હતા ત્યારે ટ્રમ્પની જીત પાકી મનાતી હતી પણ અચાનક બિડેને ખસી જવાનું નક્કી કરીને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવ્યાં પછી બાજી મસ્કની તરફેણમાં જતી રહી હોવાનું લાગતું હતું.
'પ્રેસિડેન્ટ મસ્ક' એ માત્ર એક કલ્પના જ છે : ટ્રમ્પની સપષ્ટતા
વધતા કદના લીધે રાજધાની વોશીંગ્ટનમાં હવે 'પ્રેસિડેન્ટ મસ્ક' એવો શબ્દ પણ પ્રચલિત થયો છે. ખુદ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે જાહેરમાં સ્પષ્ટતા કરવા ફરજ પડી છે. સપ્તાહની શરૂઆતે ન્યુ યોર્ક ખાતે એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્ક વધારે વગદાર છે અને રાષ્ટ્રપતિ કરતા વધારે સત્તા ભોગવી રહ્યા છે એવા દાવાનું ખંડન કર્યું હતું. 'પ્રેસિડેન્ટ મસ્ક એ માત્ર એક કલ્પના છે. એ ઈચ્છે તો પણ બંધારણ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે નહી,' એમ ટ્રમ્પ બોલ્યા હતા.