Get The App

મસ્ક 400 અબજ ડોલરની સંપત્તિ ધરાવતી વિશ્વની પહેલી વ્યક્તિ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
મસ્ક 400 અબજ ડોલરની સંપત્તિ ધરાવતી વિશ્વની પહેલી વ્યક્તિ 1 - image


- મસ્કની કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ,એક્સએઆઇના મૂલ્યમાં ભારે વધારો

- 5 નવેમ્બર, 2024ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી મસ્કની કુલ સંપત્તિમાં 136 અબજ ડોલરનો વધારો : ટેસ્લાના શેરનો ભાવ વધીને 415 ડોલરની ઓલ ટાઇમ હાઇ સપાટીએ 

નવી દિલ્હી : અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી ઇલોન મસ્ક પર નાણાંનો વરસાદ શરૂ થઇ ગયો છે જે રોકાવાનું નામ લઇ રહ્યું નથી. તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરના ભાવ સતત વધી રહ્યાં છે અને વિશ્વના સૌથી ધનિક વ્યકિત મસ્ક સંપત્તિની બાબતમાં સતત ઇતિહાસ રચી રહ્યાં છે તેમની કુલ સંપત્તિ ૪૦૦ અબજ ડોલરને પાર કરી ગઇ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિ ૬૨ અબજ ડોલર વધી છે. ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક મસ્કે સંપત્તિની બાબતમાં અન્યોને એટલા પાછળ છોડી દીધા છે કે દૂર દૂર સુધી કોઇ દેખાઇ રહ્યું નથી.

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્કની કુલ સંપત્તિ ૪૪૭ અબજ ડોલરને પાર કરી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમની સંપત્તિમાં ૬૨.૮ અબજ ડોલરનો વધારો થયો છે. 

સ્પેસ એક્સનું કુલ મૂલ્ય ૩૫૦ અબજ ડોલરને પાર થઇ ગયું છે. મસ્ક પાસે સ્પેસ એક્સના ૪૨ ટકા શેર છે. ટ્રમ્પના વિજય પછી ટેસ્લાના શેરના ભાવમાં ૬૫ ટકાનો વધારો થયો છે. ટેસ્લાનો શેર ૪૧૫ ડોલરની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે. રોકાણકારોને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ટેસ્લાની સેલ્ફ ડ્રાઇવિંગ કારને મંજૂરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇલોન મસ્કને નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિઅન્સી (ડોઓજીઇ)ના કા-હેડ બનાવવામાં આવ્યા છે. 

સ્પેસ એક્સ અને ટેસ્લા ઉપરાંત ઇલોન મસ્કનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેન્ચર એક્સએઆઇનું મૂલ્ય પણ ડબલ થઇ ગયું છે. તેનું કુલ મૂલ્ય વધીને ૫૦ અબજ ડોલરને પાર થઇ ગયું છે. 

પાંચ નવેમ્બરે યોજાયેલ અમેરિકન પ્રમુખની ચૂંટણી પછી મસ્કની કુલ સંપત્તિમાં ૧૩૬ અબજ ડોલરનો વધારો થયો છે. જેના કારણે વિશ્વના અન્ય ધનિકોની સરખામણીમાં તેમની સંપત્તિ ખૂબ જ વધી ગઇ છે. ૧૦ ડિસેમ્બરે વિશ્વના બીજા નંબરના ધનિક જેફ બિઝોસ કરતા મસ્કની સંપત્તિ ૧૪૦ અબજ ડોલર વધારે હતી. 

વિશ્વના ટોપ-10 ધનિકોની સંપત્તિ

એક તરફ જ્યાં ઇલોન મસ્કની સંપત્તિ ૪૦૦ અબજ ડોલરને પાર થઇ ગઇ છે ત્યારે ટોપ-૧૦ અબજપતિઓની યાદીમાં સામેલ અન્ય દિગ્ગજોની નેટવર્થમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એમેઝોન જેફ બેઝોસ ૨૪૯ અબજ ડોલરની સાથે વિશ્વના બીજા સૌથી ધનિક છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ૨૨૪ અબજ ડોલરની સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યકિત છે. લેરી એલિસન ૧૯૮ અબજ ડોલર સાથે ચોથા ક્રમે, બર્નાડ અર્નાલ્ટ ૧૮૧ અબજ ડોલર સાથે પાંચમા ક્રમે, લેરી પેજ ૧૭૪ અબજ ડોલર સાથે છઠ્ઠા ક્રમે, બિલ ગેટ્સ ૧૬૫ અબજ ડોલર સાથે સાતમા ક્રમે, સર્ગેઇ બ્રિુન ૧૬૩ અબજ ડોલર સાથે આઠમા ક્રમે, સ્ટીવ બાલ્મર ૧૫૫ ડોલર સાથે નવમા ક્રમે અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ ૧૪૪ અબજ ડોલર સાથે દસમા ક્રમે છે. 


Google NewsGoogle News