મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે પાકિસ્તાનમાં નવી પાર્ટી બનાવી, આતંકીઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા
image : Twitter
ઈસ્લામાબાદ,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લાહોરની જેલના સળિયા ગણી રહેલા આતંકવાદી હાફિઝ સઈદે પાકિસ્તાનની આગામી ચૂંટણી માટે મરકઝી મુસ્લિમ લીગ નામની પોતાની પાર્ટી લોન્ચ કરી છે અને આતંકીઓને ઉમેદવાર બનાવીને ચૂંટણી જંગમાં ઉતારી દીધા છે.
પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા સ્થપાયેલી મરકઝી મુસ્લિમ લીગ નામની પાર્ટી હાફિઝ સઈદની હોવાનુ મનાય છે. જોકે પ્રતિબંધોથી બચવા માટે તેને નવા નામ સાથે લોન્ચ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પાર્ટીના કેટલાક ઉમેદવારો એવા છે જે હાફિઝના સબંધીઓ છે અથવા અગાઉથી પ્રતિબંધિત સંગઠનો લશ્કર એ તૈયબા અને જમાત ઉદ દાવા કે પછી મિલ્લી મુસ્લિમ લીગ સાથે જોડાયેલા રહ્યા છે.
લાહોરની જેલમાં બંધ સઈદને પાકિસ્તાનની કોર્ટે આતંકવાદ સાથે જોડાયેલા એકથી વધારે કેસમાં 31 વર્ષની જેલની સજા ફટકારી છે. 2008માં યુએન દ્વારા તેનુ નામ વૈશ્વિક આતંકીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ હતુ.સાથે સાથે પાકિસ્તાને પણ જમાત ઉદ દાવા સંગઠન પર પ્રતિબંધ મુકયો છે.
જમાત ઉદ દાવામાં નાસ ઈન્ટરનેશનલ ટ્રસ્ટ, ફલાહ ઈન્સાનિયત ફાઉન્ડેશન, અલ અનફાલ ટ્રસટ, ખમતાબ ઈન્સ્ટિટ્યુટ શન, અલ દાવત અલ અરશદ, અલ હમદ ટ્રસ્ટ, અલ મદીના ફાઉન્ડેશન જેવા ટ્રસ્ટો સામેલ છે. જોકે હાફિઝ સઈદે મરકઝી મુસ્લિમ લીગના નામે જમાત ઉદ દાવાને નવા ચહેરા સાથે લોન્ચ કર્યુ હોવાનુ જાણકારો કહી રહ્યા છે.
મળતા અહેવાલ પ્રમાણે હાફિઝનો દીકરો હાફિઝ તલ્હા ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે અને તેણે લાહોર બેઠક પરથી નેશનલ એસેમ્બલી માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે હાફિઝ સઈદનો જમાઈ હાફિઝ નેક ગુજ્જર વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યો છે.
2018માં પણ જમાત ઉદ દાવા સાથે જોડાયેલા લોકોએ મિલ્લિ મુસ્લિમ લીગ પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો હતો પણ સરકારના વિરોધ બાદ ચૂંટણી પંચે આ સંગઠન પર પણ પ્રતિબંધ લગાવીને તેમના ઉમેદવારોની ઉમેદવારી રદ કરી નાંખી હતી. એ પછી આ ઉમેદવારો અન્ય એક અજાણી પાર્ટીમાંથી લડ્યા હતા પણ તમામ ઉમેદવારો હારી ગયા હતા.