ઇઝરાયેલ પર ઇરાનના હુમલા સંબંધે રશિયા સહિત વિવિધ દેશોના બહુવિધ પ્રતિભાવો
- મધ્ય પૂર્વની જ્વાળા વિશ્વમાં ફેલાઈ જશે ?
- ઇરાનના આ હુમલા પછી ઇઝરાયલે બદલો લેવાના સોગંદ લીધા છે ઇરાની સેનાએ કહ્યું : જે કોઈ યહુદી રાજ્યને સહાય કરશે તેને ખતમ કરીશું
નવી દિલ્હી : શાંતિ દૂત મહાત્મા ગાંધીજીની જન્મ તારીખે જ વિશ્વ સમસ્તને વ્યાપક યુદ્ધની જ્વાળાઓ સ્પર્શી રહી છે, આથી વધુ વિધિની વક્રતા શી હોઈ શકે ? વિશ્વમાં સૌથી વધુ પરમાણુ પ્રક્ષેપાસ્ત્ર ધરાવતાં રશિયાએ કહ્યું : 'ઇરાન દ્વારા ઇઝરાયલ પર પ્રચંડ મિસાઇલ હુમલો કરાયા પછી, મધ્ય પૂર્વ વિષેનો અમેરિકાનો અભિગમ તદ્દન વિફળ સાબિત થયો છે. રશિયાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારૉવાએ ટેલીગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું : 'મધ્ય પૂર્વમાં બાયડેન પ્રશાસન સંપૂર્ણ રીતે વિફલ રહ્યું છે. આ ખૂની નાટક માત્ર તણાવ વધારી રહ્યું છે તે 'વ્હાઇટ હાઉસ'ની સમજણની બહારની વાત છે. તેનાં નિવેદનો સંકટો હલ કરવામાં તેની પૂરી અસહાયતા દર્શાવે છે.'
ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાચીએ બુધવારે સવારે 'એક્સ' ઉપર એક પોસ્ટમાં કહ્યું : 'ઇઝરાયલ સામેની અમારી જવાબી કાર્યવાહી ત્યાં સુધી જ થંભેલી રહેશે કે જ્યાં સુધી ઇઝરાયેલ આગળની જવાબી કાર્યવાહીને 'આમંત્રિત' ન કરે.'
બીજી તરફ ઇરાની સેનાએ અમેરિકા કે તેના સાથીઓનાં નામ લીધા સિવાય કહ્યું કે શાસન (ઇઝરાયલ)નું સમર્થન કરનાર દેશો દ્વારા સીધો હસ્તક્ષેપ કરાશે તો તે સ્થિતિમાં તેણે તે ક્ષેત્રમાં રહેલાં તેનાં કેન્દ્રો અને હિતોને ઇસ્લામિક ગણતંત્ર ઇરાનનાં સશસ્ત્ર દળોના પ્રચંડ હુમલાનો સામનો કરવો પડશે.
અમેરિકાના પ્રમુખ જો બાયડેને મંગળવારે જણાવ્યું હતું કે : 'હવે તે વાતની ચર્ચા થઇ રહી છે કે ઇઝરાયલ, ઇરાની બેલાસ્ટિક મિસાઇલ હુમલાનો જવાબ કઇ રીતે આપશે ? ઇરાને તેનાં ફળ ભોગવવાં જ પડશે. જ્યારે ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું : 'ઇરાન મધ્યપૂર્વમાં એક 'ખતરનાક' અને 'અસ્થિરતા' કરનારી તાકાત છે. વૉશિંગ્ટન, ઇઝરાયલની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.'
ઇઝારયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનના તે હુમલાને ઇરાનની એક ભયંકર ભૂલ કહેતાં જણાવ્યું હતું કે ઇરાનને તેની કિંમત ચૂકવવી પડશે. જે કોઈ અમારી ઉપર હુમલો કરશે તેની ઉપર અમે હુમલો કરીશું જ. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ ઇરાનને શિક્ષા કરવાના સોગંદ લીધા છે.'
'મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ગંભીર બની રહેતાં સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની એક આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધી રહેલી તંગદિલીને અનુલક્ષીને સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી એન્ટની ગુટેરસે જણાવ્યું હતું કે 'આ અટકાવવું જ જોઇએ. આપણે તત્કાળ યુદ્ધ વિરામ કરાવવો જ જોઇએ.'
યુરોપીય સંઘના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે ઇરાનના તે હુમલા પછી તત્કાળ યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો હતો.
ફ્રાંસના વડા પ્રધાન મિશેલ વૉર્નિયરે મંગળવારે એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે 'ત્યાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. તેઓે સંસદમાં કહ્યું : 'મધ્યપૂર્વમાં સ્થિતિ બગડતી જાય છે. તણાવ વધી રહ્યો છે હુમલા થઇ રહ્યા છે એવું લાગે છે. ઇઝરાયલ ઇરાન વચ્ચે 'યુદ્ધ' જ ચાલી રહ્યું છે.'
બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે ઇરાનના હુમલાની કઠોર નિંદા કરી હતી. તેઓએ નેતન્યાહૂ સાથે ફોન ઉપર વાત કરતાં કહ્યું હતું કે, ઇઝરાયલની સલામતી અને નાગરિકોનાં રક્ષણ માટે યુ.કે. પ્રતિબદ્ધ છે.