મુકેશ-નીતા અંબાણીએ 8.70 કરોડનું યોગદાન આપતાં ટ્રમ્પ સમારોહમાં નિમંત્રણ
- કેબિનેટના સ્વાગત સમારોહ અને વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ માટેના ડિનરમાં પણ અંબાણી દંપતિ ભાગ લેશે
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધી પર આખી દુનિયાની નજર છે. આ શપથવિધીમાં ભારતમાંથી કોણ કોણ હાજર રહેશે તેના પર ભારતીયોની પણ નજર છે ત્યારે ભારતમાંથી દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી ટ્રમ્પની શપથવિધીમાં હાજર રહેશે એવા અહેવાલ છે.
ટ્રમ્પના શપથવિધી સમારોહમાં હાજરી માટે સામાન્ય લોકો માટે પણ ટિકિટોની વ્યવસ્થા કરાઈ છે પણ એ પહેલાંના કેન્ડલલાઈટ ડિનર સહિતના કાર્યક્રમોમાં જેમણે શપથવિધી સમારોહમાં કે પછી ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં યોગદાન આપ્યું હોય એવાં લોકોને જ નિમંત્રણ અપાયું છે. આ પૈકી જેમણે ૨ લાખ ડોલર કે વધારેનું યોગદાન આપ્યું હોય તેમને જ શપથવિધીમાં હાજરી માટેનાં કાર્ડ અપાયાં છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સાથે ૨૦ જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહ અને એ પહેલાં ૧૯ જાન્યુઆરીએ કેન્ડલલાઇટ ડિનર બંને માટે એવાં લોકોને જ કાર્ડ અપાયાં છે કે જેમણે ૧૦ લાખ ડોલર (લગભગ ૮.૭૦ કરોડ રૂપિયા) કરતાં વધારે યોગદાન આપ્યું હોય. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સાથે ૧૯ જાન્યુઆરીએ કેન્ડલલાઇટ ડિનર માટે પણ નિમંત્રણ મળ્યું હોવાથી અંબાણીએ ૧૦ લાખ ડોલરથી વધારેનું યોગદાન આપ્યું હોવાનું મનાય છે.
ટ્રમ્પની શપથવિધી અને કેન્ડલાઈટ ડિનર માટે ૧૦ લાખ ડોલર કે વધારેનું યોગદાન આપ્યું હોય તેમને છ અલગ-અલગ ઇવેન્ટ્સ માટે છ ટિકિટના અપાઈ છે. આ ઇવેન્ટ્સમાં ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સાથે ૧૯ જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહ અને 'કેન્ડલલાઇટ ડિનર'નો સમાવેશ થાય છે.
નીતા અને મુકેશ અંબાણી ૧૮મી જાન્યુઆરીના વોશિંગ્ટન ડીસી પહોંચી ગયાં હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેટ મેમ્બર્સ અને ઈલેક્ટેડ ઓફિસર્સના સ્વાગત સમારોહમાં પણ મુકેશ-નીતા અંબાણી હાજર રહશે.
કેબિનેટના સ્વાગત સમારોહ અને વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ માટેના ડિનરમાં પણ અંબાણી દંપતિભાગ લેશે. ૧૯મી નવેમ્બરના રાત્રે પ્રેસિડેન્ટ-ઈલેક્ટ ટ્રમ્પ અને વાઈસ પ્રેસિડેન્ટ-ઈલેક્ટ જેડી વેન્સ સાથે કેન્ડલ લાઈટ ડિનરમાં ભાગ લેશે.