PHOTO: ટ્રમ્પના શપથ ગ્રહણ વખતે ડિનરમાં પહોંચ્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી
Donald Trump Inauguration: વૉશિંગ્ટન ડીસીમાં અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા યોજાયેલા ડિનરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ હાજરી આપી. આ ખાસ અવસરે દુનિયાના અનેક મોટા ઈન્ડસ્ટ્રિયલિસ્ટ, બિઝનેસમેન, નેતા અને ટ્રમ્પ કેબિનેટના નોમિનેટ સભ્યો હાજર રહ્યા હતા.
કેન્ડલ લાઈટ ડિનરમાં અંબાણી પરિવાર બન્યો મહેમાન
ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા યોજાયેલા કેન્ડલ લાઈટ ડિનરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા, જે સમારોહમાં સૌથી ખાસ માનવામાં આવી રહ્યા છે. આ અવસરે ઉપ-રાષ્ટ્રપતિ જેડી અને ઉષા વેન્સ પણ ઉપસ્થિત રહ્યા.
ખાસ ડ્રેસમાં નજરે પડ્યો અંબાણી પરિવાર
મુકેશ અંબાણીએ આ અવસરે કાળા રંગનો સૂટ પહેર્યો, જ્યારે નીતા અંબાણી સિલ્ક સાડીની સાથે લાંબા ઓવરકોટમાં નજરે આવ્યા. આ આયોજનમાં કેટલાક અન્ય મોટા ઈન્ડસ્ટ્રિયલિસ્ટ પણ સામલે થયા. આ સિવાય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ જોવા મળ્યા હતા.
બ્લેક-ટાઈ રિસેપ્શનમાં પણ સામેલ થશે અંબાણી પરિવાર
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ બાદ રિપબ્લિકન મેગા-ડોનર મિરિયમ એડેલસન અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા આયોજિત બ્લેક-ટાઈ રિસેપ્શન અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર થશે, જેમાં અંબાણી પરિવાર સામેલ થશે. આ આયોજનમાં દુનિયાના દિગ્ગજ નેતાઓ અને વ્યાપાર જગતની હસ્તીઓ સામેલ થશે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પહોંચ્યા છે. તેઓ ગઈકાલે (18 જાન્યુઆરી) અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. અંબાણી પરિવારના ટ્રમ્પ પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ છે.
શપથ ગ્રહણ સમારોહમાં દુનિયાના દિગ્ગજો આપશે હાજરી
અમેરિકાના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર સહિત ટ્રમ્પના સૌથી મોટા સમર્થક એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, એપલના સીઈઓ ટિમ કૂક અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સહિતના દિગ્ગજોને મુખ્ય સ્થાન મળશે. તેની સાથે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ આ આયોજનમાં સામેલ થશે.