ભારત-ચીન સાથેના સંબંધો અંગે માલદીવના વિદેશ મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘બંને દેશો અમારા દેશનું...’
India And Maldives Relations : ભારત અને માલદીવ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે મોટો દાવો કરતાં કહ્યું છે કે, 'રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની આગેવાની હેઠળની સરકારના શરૂઆતના દિવસોમાં ભારત-માલદીવના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હતા, પરંતુ બંને દેશોએ હવે ગેરસમજણો દૂર કરી દીધી છે.'
ભારત સાથેના સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડ્યો
ઝમીરે શુક્રવારે શ્રીલંકાની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે ચીન અને ભારત સહિત અન્ય મુખ્ય ભાગીદારો સાથે સારા સંબંધો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઝમીરે કહ્યું કે, 'માલદીવમાંથી ભારતીય સૈનિકોની નાની ટુકડીને હટાવવાના પ્રમુખ મુઈઝુના અભિયાનને પગલે ભારત સાથેના સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.'
આ પણ વાંચો : બાંગ્લાદેશની વહારે આવ્યું અમેરિકા, મોહમ્મદ યૂનુસની માંગ બાદ આપશે 20 કરોડ ડૉલરની સહાય
મુઈઝુ ચીન પ્રેમી છે?
મળતી માહિતી પ્રમાણે, મુઈઝુ ચીન તરફ ઝુકાવ ધરાવે છે. તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ભારત-માલદીવના સંબંધોમાં ખટાશ જોવા મળી છે. મુઈઝુએ શપથ લીધાના થોડા કલાકોમાં જ ભારત દ્વારા માલદીવને ભેટમાં આપેલા ત્રણ સૈન્ય પ્લેટફોર્મ પર તૈનાત ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી હતી. જો કે, બંને પક્ષો વચ્ચે વાતચીત પછી ભારતીય સૈનિકોની જગ્યાએ ટેકનિકલ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. માલદીવના ત્રણ નાયબ મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો. તેવામાં માલદીવના વિદેશ મંત્રાલયે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા હતા. આ પછી આ ત્રણ મંત્રીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મુઈઝુએ કાર્યભાર સંભાળ્યા પછી નવી દિલ્હીનો પ્રવાસ કર્યો ન હતો. જેમાં તે પહેલા તુર્કી ગયા અને પછી જાન્યુઆરીમાં તેમની પ્રથમ રાજ્ય મુલાકાત માટે ચીનને પસંદ કર્યું હતું. જો કે, ત્યારબાદ 9 જૂને નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તેમણે હાજરી આપી હતી.
મુઈઝુ ટૂંક સમયમાં ભારત આવશે
મુઈઝુના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, 'રાષ્ટ્રપતિ ખૂબ જ ટૂંક સમયમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.' ઝમીરે માલદીવ સામેના વર્તમાન આર્થિક પડકારોને અસ્થાયી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'માલદીવ્સની આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસેથી રાહત પેકેજની વિનંતી કરવાની કોઈ યોજના નથી. અમારી પાસે દ્વિપક્ષીય ભાગીદારો છે, જેઓ અમારી જરૂરિયાતો અને પરિસ્થિતિ માટે ખૂબ જ સંવેદનશીલ છે.' તેણમે ચીન અને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 'આ દેશો માલદીવને સમર્થન આપવા માટે મહત્વપૂર્ણ રહ્યા છે.'
આ પણ વાંચો : અમેરિકાની ચૂંટણીમાં ગાંજાની એન્ટ્રી, આખરે ટ્રમ્પ અને કમલા હેરિસ તેને કાયદેસર કેમ કરવા માંગે છે?
માલદીવ પર 409 મિલિયન યુએસ ડોલરનું દેવું
માલદીવ પર હાલમાં 409 મિલિયન યુએસ ડોલરનું દેવું છે. દેશની વર્તમાન વિદેશી હૂંડિયામણ ભંડોળ 444 મિલિયન યુએસ ડોલર છે. ઝમીરની સાથે માલદીવના નાણામંત્રી મોહમ્મદ શફીક પણ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, બંને નેતાઓએ નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના અધિકારીઓ સહિત અન્ય સાથે ઘણી બેઠકો કરી હતી.