ઈન્ડિયા આઉટ' મુદ્દે મુઈજ્જુનો યુ-ટર્ન, કહ્યું-ભારત સાથે તો મજબૂત સંબંધ, જલ્દી જ મુલાકાત લઇશ
India-Maldives Bilateral Relationship: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ 'ઇન્ડિયા આઉટ' એજન્ડા હોવાનો ઇનકાર કર્યો હતો. તેમના યુ-ટર્ન બાદ તેમણે કહ્યું કે, તેમના ટાપુ રાષ્ટ્ર માલદીવને તેની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીને લઈને 'ગંભીર સમસ્યા' છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત સાથે માલદીવના ખૂબ જ મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે.
માલદીવના લોકો દેશમાં એક પણ વિદેશી સૈનિક નથી ઈચ્છતા, મુઈઝુ
સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 79મા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચેલા મુઈઝુએ પ્રિન્સટન યુનિવર્સિટીની 'ડીન્સ લીડરશિપ સિરીઝ' માં એક પ્રશ્નનો જવાબ આપતાં આ નિવેદન આપ્યું હતું. માલદીવના એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે મુઈઝુએ કહ્યું, “અમે ક્યારેય કોઈ એક દેશની વિરુદ્ધ નથી રહ્યા. આ 'ઈન્ડિયા આઉટ' નથી. માલદીવને તેની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીને કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલદીવના લોકો દેશમાં એક પણ વિદેશી સૈનિક નથી ઈચ્છતા."
'ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના મુદ્દે મુઈઝુ ભારત આવશે'
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું કે, "ન્યુયોર્કમાં યુએનજીએ સત્ર પછી હું શક્ય તેટલી વહેલી તકે (ભારત) મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યો છું. અમારા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મજબૂત છે."
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુઈઝુ 6-10 ઓક્ટોબર દરમિયાન દ્વિપક્ષીય મુલાકાત માટે ભારતમાં આવી રહ્યા છે. તેઓ 7 ઓક્ટોબરે પીએમ મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આ પહેલા મોહમ્મદ મુઇઝુ 9 જૂન, 2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે અન્ય છ પ્રાદેશિક દેશોના નેતાઓ સાથે નવી દિલ્હી આવ્યા હતા.
ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ તણાવ
ગયા વર્ષે નવેમ્બરમાં ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તંગ બની ગયા હતા. મુઈઝુએ ભારતને દેશ દ્વારા ભેટમાં આપેલા ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા લગભગ 90 ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું હતું. એ પછી ભારતે 10 મે સુધીમાં તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લીધા.
'કોઈનું પણ અપમાન સ્વીકારીશ નહીં,'
મોહમ્મદ મુઈઝુએ એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ તેમણે માલદીવના નાયબ મંત્રીઓ સામે પગલાં લીધા છે. રિપોર્ટમાં તેમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "કોઈએ આવી વાત ન કરવી જોઈએ. મેં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. હું આ રીતે કોઈનું પણ અપમાન કરવાનું સ્વીકારીશ નહીં, પછી તે નેતા હોય કે સામાન્ય વ્યક્તિ. દરેક માનવીની પોતાની પ્રતિષ્ઠા હોય છે."