મોહમ્મદ યુનુસ ભારત આવવા માગતા હતા : ભારતે ના કહી
- પાકિસ્તાન પછી યુનુસ હવે ચીનના પીઠ્ઠુ બની ગયા, ડ્રેગનની ભાષામાં વાત કરી રહ્યા છે
- હવે, બાંગ્લાદેશ તાઈવાનની સ્વતંત્રતાનો વિરોધ કરી રહ્યા છે, મોંગલા બંદરગાહના વિકાસ માટે ચીન સાથે યુનુસે કરેલા કરારો
બૈજિંગ : બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર ચીનની બે દિવસની મુલાકાતે આજે શુક્રવારે અહીં આવી પહોંચ્યા છે.
વિવિધ સમાચાર સંસ્થાઓ જણાવે છે કે ગત વર્ષના ડીસેમ્બરમાં તેઓએ ભારતની મુલાકાત લેવાની અને નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર થઇ રહેલા અત્યાચારોને લીધે ભારતે વિવેકપૂર્વક કહ્યું હતું કે વડાપ્રધાન અન્ય વ્યસ્તતાઓ ને લીધે આપને સમય ફાળવી શકે તેમ નથી. આથી યુનુસે ભારતની મુલાકાત નિવારી હતી.
બૈજિંગ વિમાન મથકે આવકારવા ચીનના સામાન્ય સ્તરના અધિકારી જ ઉપસ્થિત રહ્યા હતા. તે દર્શાવી આપતું હતું કે ચીનને મન બાંગ્લાદેશના નેતાની કેટલી કિંમત છે. પરંતુ ભારત સામેની વેરભાવનાથી પ્રેરાઈ જેમ પાકિસ્તાનના નેતાઓ ચીનની કદમપોસી કરી રહ્યા છે તેવી જ રીતે યુનુસ ચીનની કદમ પોસી કરી રહ્યા છે. તેઓએ એક નિવેદન પ્રસિધ્ધ કર્યું જેમાં તેમણે વન-ચાયના-પોલીસી દોહરાવી અને તાઈવાનની સ્વતંત્રતાનો વિરોધ કર્યો છે. તેઓએ પ્રેસ વિંગને આપેલી મુલાકાતમાં કહ્યું કે બાંગ્લાદેશ અને ચીને આર્થિક અને ટેકનિકલ સહકાર તથા કલાસિક્સના અનુવાદ ઉપરાંત ઉત્પાદન સાંસ્કૃતિક વિરાસત સમાચાર વિનિમય મીડીયા અને રમત ગમત ક્ષેત્રો વિષે જુદા જુદા ૮ મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ઉપરાંત બાંગ્લાદેશનાં મોંગલા બંદરગાહના વિકાસ માટે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓને ચીનના પ્રમુખ શી જિનપિંગે મુલાકાત આપી. બાંગ્લાદેશને તમામ આર્થિક અને લશ્કરી સહાય કરવા વચન આપ્યું હતું. ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી. બાંગ્લાદેશે ભારત સાથે બેવફાઈ શરૂ કરી.