આંદોલનની આગેવાની કરી શેખ હસીનાની સરકાર પાડી, હવે નવી સત્તામાં મંત્રી બન્યા આ વિદ્યાર્થીઓ
Image Source: Twitter
Bangladesh Interim Government: નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. યૂનુસે શુક્રવારે વિવિધ મંત્રાલયોના કાર્યભારની વહેંચણી કરી હતી. નોંધનીય વાત એ છે કે યૂનુસે 27 મંત્રાલયોના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી સરકારના વિદેશ મંત્રી તૌહીદ હુસૈને કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું , આપણે મોટા દેશો સાથે સંબંધોમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ પ્રો. મોહમ્મદ યૂનુસે શુક્રવારે નવનિયુક્ત 16 સભ્યોની સલાહકાર પરિષદના વિભાગોની વહેંચણી કરી હતી. યૂનુસે સંરક્ષણ, જાહેર વહીવટ, શિક્ષણ, ઉર્જા, ખાદ્ય, જળ સંસાધન અને માહિતી જેવા 27 મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે. રાજદ્વારી મોહમ્મદ તૌહીદ હુસૈનને વિદેશ મંત્રાલયના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વચગાળાના કેબિનેટમાં સામેલ બે વિદ્યાર્થી નેતાઓ નાહીદ ઈસ્લામ અને આસિફ મેહમૂદને ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને યુવા તથા રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યા છે.
નોબેલ પુરસ્કાર વિજેતા 84 વર્ષીય યૂનુસે ગુરુવારે વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે શેખ હસીનાનું સ્થાન લીધું છે જેઓ વિવાદાસ્પદ અનામત પ્રણાલી પર પોતાની સરકાર સામે હિંસક વિરોધને પગલે દેશ છોડીને ભારત આવી ગયા છે. યૂનુસ હસીનાના લાંબા સમયથી ટીકાકાર પણ રહ્યા છે.
જાણો કોને કયું મંત્રાલય મળ્યું
1 |
બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈન |
ગૃહ મંત્રાલય |
2 |
ફરીદા અખ્તર |
મત્સ્યોદ્યોગ અને પશુધન મંત્રાલય |
3 |
ખાલિદ હુસૈન |
ધાર્મિક બાબતોનું મંત્રાલય |
4 |
નૂરજહાં બેગમ |
આરોગ્ય મંત્રાલય |
5 |
શર્મીન મુર્શિદ |
સમાજ કલ્યાણ મંત્રાલય |
6 |
સુપ્રદીપ ચકમા |
શપથ ગ્રહણ નથી કર્યા |
7 |
પ્રોફેસર બિધાન રંજન રોય |
શપથ ગ્રહણ નથી કર્યા |
8 |
તૌહીદ હુસૈન |
વિદેશ મંત્રાલય |
9 |
મોહમ્મદ નઝરુલ ઈસ્લામ |
કાયદા મંત્રી |
10 |
આદિલુર રહમાન ખાન |
ઉદ્યોગ મંત્રાલય |
11 |
એએફ હસન આરિફ |
એલજીઆરડી મંત્રાલય |
12 |
સઈદા રિઝવાના હસન |
પર્યાવરણ મંત્રાલય |
13 |
નાહિદ ઈસ્લામ |
પોસ્ટ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય |
14 |
આસિફ મહમૂદ |
યુવા અને રમત-ગમત મંત્રાલય |
15 |
ફારુક-એ-આઝમ |
શપથ ગ્રહણ નથી કર્યા |
16 |
સાલેહ ઉદ્દીન અહેમદ |
નાણા મંત્રાલય અને યોજના મંત્રાલય |
સલાહકાર પરિષદના ત્રણ સભ્યો રાજધાનીમાં ગેરહાજરીના કારણે ગુરુવારે રાત્રે શપથ ગ્રહણ નહોતા કરી શક્યા અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યૂનુસ તેમને 27 વિભાગોમાંથી કેટલાક વિભાગ તેમને સોંપી શકે છે.
સેનાના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈનને ગૃહ મંત્રાલયની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. હુસેન 2001થી 2005 સુધી કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર હતા અને 2006થી 2009 સુધી બાંગ્લાદેશના વિદેશ સચિવ તરીકે કર્યરત હતા.
વિદેશ બાબતોના સલાહકાર હુસૈને મીડિયા સાથે વતચીત કરતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી એ હાલમાં વચગાળાની સરકારની પ્રમુખ પ્રાથમિકતા છે અને પ્રથમ લક્ષ્ય હાંસલ થયા બાદ અન્ય કામો પણ પાટા પર આવી જશે. તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશને તમામ દેશો સાથે સારા સબંધો જાળવી રાખવાની જરૂર છે.
હુસૈને કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે, આપણે મોટા દેશો સાથે સંબંધોમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે. બાંગ્લાદેશ બેંકના પૂર્વ ગવર્નર સલાહુદ્દીન અહમદ નાણા અને યોજના મંત્રાલયના પ્રભારી હશે. જ્યારે પૂર્વ એટોર્ની જનરલ એ એફ હસન આરિફ સ્થાનિક સરકાર મંત્રાલયની દેખરેખ કરશે.