બાંગ્લાદેશમાં ક્યાંક જ હિંસા, ખોટો ભય ફેલાવી રહ્યું છે ભારતઃ મોહમ્મદ યુનુસે ફરી મૂક્યો આરોપ
Bangladesh Blames On India: બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં લઘુમતી કોમ હિન્દુઓ પર થઈ રહેલી હિંસાઓના અહેવાલો માટે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. યુનુસે બાંગ્લાદેશની કમાન સંભાળ્યાને 100 દિવસ પૂર્ણ થવા બદલ એક ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી કોમ સુરક્ષિત છે, તેમના પર એટલી હિંસા થઈ પણ નથી જેટલી વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આ માત્ર ભારતનું પાયાવિહોણુ ષડયંત્ર છે. જે સંપૂર્ણપણે રાજકીય છે.
હિન્દુઓ પર હુમલા ભારતનું કાવતરૂ
મીડિયા ઈન્ટરવ્યૂમાં યુનુસને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર વિશે પૂછવામાં આવતાં તેમણે જવાબ આપ્યો કે, બાંગ્લાદેશમાં ક્યાંક જ હિંસાઓ થઈ રહી છે, અને તે પણ રાજકીય છે, હુમલાઓનો ખોટો ભય ભારત ફેલાવી રહ્યું છે. તે સંપૂર્ણપણે ભારતનું કાવતરૂ છે. બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણમાં છે. થોડા ઘણા હિંસાના કિસ્સાઓ બન્યા છે. પરંતુ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવેલું ચિત્ર સંપૂર્ણપણે ભારતના ષડયંત્રનો એક ભાગ છે. ભારત કોઈ કારણોસર બાંગ્લાદેશની છબી ખરાબ કરી રહ્યું છે.
રાજકારણીઓનું પણ ષડયંત્ર
84 વર્ષીય યુનુસે હિંસાઓની ઘટનાઓ માટે રાજકારણને પણ જવાબદાર ઠેરવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાં ઘણા રાજકારણીઓ સત્તા મેળવવા આ પ્રકારના હુમલાઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ગત સપ્તાહે જ બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓએ પોતાની સુરક્ષા માટે દેખાવો કર્યા હતા. તેમના ઘરો, મંદિરો, વેપાર-ધંધાઓ અને સમુદાયોની સુરક્ષા માટે માગ કરાઈ હતી.
આ પણ વાંચોઃ શું કોમામાં છે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ? પુત્રને ઉત્તરાધિકારી બનાવી દીધો હોવાનો દાવો
હિન્દુઓની 8 ટકા વસ્તી પર 2000થી વધુ હુમલાઓ
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટે દેશમાંથી પલાયન કરી ગયા બાદથી હિન્દુઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા 8 ટકા છે. જ્યારે તેમના પર અત્યારસુધીમાં 2000થી વધુ હુમલાઓ થઈ ચૂક્યા છે.
અગાઉ પણ ભારત પર આરોપ
યુનુસે અગાઉ સપ્ટેમ્બરમાં પણ બાંગ્લાદેશી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર માટે ભારત પર આરોપ મૂક્યો હતો. આવામી લીગના નેતા શેખ હસીનાને ભારતમાં આશરો મળતાં તેમજ બાંગ્લાદેશમાં આવામી લીગને સમર્થન આપનારા હિન્દુઓ સહિત નેતાઓ આ હુમલાનો ભોગ બની રહ્યા છે. આ સંપૂર્ણપણે રાજકીય એજન્ડા હોવાનો દાવો યુનુસે કર્યો હતો.
ટ્રમ્પે પણ બાંગ્લાદેશના સત્તાધીશોને વખોડ્યા
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસે સત્તાની કમાન સંભાળ્યાને 100 દિવસ પૂર્ણ થયા છે. પરંતુ સ્થિતિ જેસે થૈ છે. હિન્દુઓ પણ હુમલાઓ જારી છે. અન્ય લઘુમતી કોમ અને અવામી લીગના અન્ય ઘણા સમર્થકો હિંસાનો ભોગ બની રહ્યા છે. ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવતાં બાંગ્લાદેશની આ સ્થિતિ અને સત્તાધીશોની નિષ્ફળતાને વખોડી હતી.