મોહમ્મદઅલી જિન્નાની પુણ્ય-તિથિએ જ તેઓની કબર અંધકારમાં ડૂબેલી રહી
- થોડા દિવસ પૂર્વે જ કોઈએ જિન્નાની પ્રતિમા ખંડિત કરી હતી
- પાકિસતાનમાં આવેલા પ્રચંડ પૂરોને લીધે સમગ્ર રાષ્ટ્રમાં વીજળીની ભારે મોટી ખેંચ ઊભી થઈ છે
કરાચી : દેવાં ડૂબી ગયેલાં પાકિસતાનની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, પોતાના સંસથાપક મોહમ્મદઅલી જીન્નાને જ અંધકારમાં રાખવા પડયા છે. તેઓની પુણ્ય-તિથિના દિવસે જ અહીં રહેલી તેમની કબર ઉપર વીજળી ડૂલ થવાને લીધે કોઈ પ્રકાશ જ પડતો ન હતો. તેમની કબર અંધકારમાં ડૂબેલી રહી હતી.
આ અંગે મોડેથી પ્રાપ્ત થતા સમચારો જણાવે છે ૧૧મી સપ્ટેમ્બરે મોહમ્મદઅલી જિન્નાની પુણ્યતિથિના દિવસે જ સવારના ૩-૦૦ વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ પછી વહેલી સવારે ઓમાનનું એક ટોચ-કક્ષાનું પ્રતિનિધિમંડળ પણ તે 'મઝાર'નાં દીદાર માટે ત્યાં પહોંચ્યો, તો તેઓ તે જાણીને દંગ થઈ ગયા કે આવા મહત્વના દિવસે પણ આ 'મઝાર' ઉપર કોઈ પ્રકાશ જ નહીં.
વીજળીના અભાવને લીધે ત્યાં ફ્લડ-લાઈટ્સ તથા CCTV પણ કામ કરતા બંધ થઈ ગયા હતા. આથી આશંકા તેવી પણ ફેલાઈ રહી હતી કે, આ કબર ઉપર પણ હુમલો થઈ શકે તેમ છે.
સૌથી વધુ આંચકા-જનક બાબત તો તે છે કે, થોડા દિવસો પૂર્વે જ કોઈ તોફાની તત્વોએ જિન્નાની પ્રતીમા તોડી નાખી હતી.
આથી નિરીક્ષકો તેમ કહે છે કે પાકિસતાનમાં ઘણા લોકો તેવા છે કે, જેમને જિન્નાની નીતિઓથી સહન કરવું પડયું છે.
તે સર્વવિદિત છે કે પાકિસતાનમાં જુલાઈ મહિનાથી વીજ-સંકટ ઊભું થયું છે. ભારે પૂરોને લીધે પાવર-હાઉસ બંધ થયા છે. પાકિસતાનમાં કાર્યરત ચીની ઈજનેરોએ કામ કરવું બંધ કરી દીધું છે. આથી POK માં 'પત-વિદ્યુત-પરિયોજના' કેટલાય મહિનાથી બંધ પડી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, પાકિસતાનમાં કામ-કરતી ચીની કંપનીઓને છ મહિનાથી પુરું ચૂકવણું ન થતાં, તે કંપનીઓએ આગળ કામ કરવું જ બંધ કરી દીધું છે. તે કંપનીઓ તેમના ઈજનેરોને છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી પૂરો પગાર પણ આપી શકી નથી. તેવામાં બલુચીસતાનનાં ઝાડર અને સિંધનાં કરાચી સહિત કેટલાંએ શહેરોમાં ચીની ઈજનેરો અને અન્ય નાગરિકો ઉપર હુમલા થઈ રહ્યા છે. આ અંગે ચીનની સરકારે પાકિસતાનની સરકાર સમક્ષ વારંવાર વિરોધ નોંધ્યો છે. પરંતુ સરકાર પણ લાચાર છે, તે આવા હુમલાખોરોને પકડી શકે તેમ નથી. પાકિસતાન ખરી ફસામણમાં છે.
બહુ થોડાને ખબર હશે કે, પાકિસતાનની રચના થઈ ત્યારે સૌથી પહેલું પાટનગર કરાચી હતું. આ સાથે, તે દેશની આર્થિક રાજધાની પણ બની રહેલું છે. ત્યાં જો આવી ખતરનાક ઘટનાઓ બને તો પછી સરહદ પ્રાંતના અને બલુચીસતાનના ફ્લાઈલી વિસતારો માટે તો કશું કહેવાજનક જ નહીં હોય.