કેનેડાની મસ્જિદોમાં સાંસદોને પ્રવેશ નહીં આપવાનુ મુસ્લિમ સંગઠનોનુ એલાન, આવુ છે કારણ
image : Twitter
ઓટાવા,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
કેનેડાની 300 જેટલી મુસ્લિમ સંસ્થાઓએ કેનેડાની મસ્જિદોમાં સાંસદોને એન્ટ્રી નહીં આપવાનુ એલાન કર્યુ છે.
મુસ્લિમ સંગઠનોએ આ સંદર્ભમાં એક ખુલ્લો પત્ર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, જ્યાં સુધી ગાઝા પર ઈઝરાયેલના હુમલાને સાંસદો વખોડી નહીં કાઢે ત્યાં સુધી તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિના આડે હવે બહુ ઓછો સમય બાકી છે ત્યારે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા હજી પણ લશ્કરી કાર્યવાહી ચાલી રહી છે અને તેને લઈને મુસ્લિમ દેશો વિરોધ કરી રહ્યા છે ત્યારે કેનેડામાં પણ મુસ્લિમ સંસ્થાઓેએ કહ્યુ છે કે, રમઝાન મહિનામાં કોઈ પણ મસ્જિદમાં સાંસદોને આવકાર નહીં અપાય. મુસ્લિમોની સભાઓને સંબોધવા માટે સાંસદોને મંચ પરો પાડવામાં નહીં આવે. અમે માત્ર એ જ સાંસદોનુ સ્વાગત કરીશું જેમણે માનવાધિકારોને અને માનવતાને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે તેમજ ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલા અપરધોનો વિરોધ કર્યો છે.
આ પત્રમાં સાંસદોને ગાઝા પર થઈ રહેલા હુમલા રોકવા માટે તેમજ ઈઝરાયેલને દુનિયાના બીજા દેશો દ્વારા હથિયારોની સપ્લાય પર રોક લગાવવા માટે પણ માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલમાં કરેલા આતંકી હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝામાં શરુ કરાયેલી કાર્યવાહી ચાલુ છે અને પેલેસ્ટાઈનની સરકારના કહેવા પ્રમાણે તેમાં અત્યાર સુધીમાં ગાઝાના 29000 કરતા વધારે નાગરિકોના મોત થઈ ચુકયા છે.