કોરોના સંક્રમણમાંથી સાજા થઈ ગયેલા મોટો ભાગનાનો IQ ઘટી ગયો, યાદશક્તિ પર પણ અસર થઈ...
નવી મુંબઇ,તા. 5 માર્ચ 2024, મંગળવાર
COVID-19 ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું જણાય છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે.
કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, SARS-CoV-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની ગંભીર આડઅસર જોવા મળી છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે, ઘણા લોકો જેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે તેઓ રોગમાંથી સાજા થયા પછી પોતાના IQ મા ઘટાડો અનુભવી રહ્યા છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં, નિષ્ણાતોની એક ટીમે જણાવ્યું હતું કે જે લોકો કોવિડ-19માંથી સાજા થયા છે તેઓએ એક વર્ષ પછી આઈક્યુ સ્તરમાં ઓછામાં ઓછા 3-પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો છે. જો કે આ ઘટાડો વધુ નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, મોટી વસ્તીમાં મગજ સંબંધિત જોખમો અંગે સજાગ રહેવાની જરૂર છે. મગજની કામગીરીમાં ઘટાડો જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
કોરોના સંક્રમિત લોકોના આઈક્યુમાં ઘટાડો
ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત આ સંશોધન જણાવે છે કે, કોરોના ચેપના હળવા અને ગંભીર બંને કેસ ધરાવતા લોકોમાં જ્ઞાનાત્મક ઘટાડો જોવા મળે છે.તેમના IQમાં 9-પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે લોકો ચેપમાંથી સાજા થયા છે તેમની યાદશક્તિ, તર્ક અને પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.
રિસર્ચમાં અનેક ખુલાસા થયા :
ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં સંશોધકોએ આઠ લાખ પુખ્ત વયના લોકોના સેમ્પલના આધારે રિપોર્ટ બનાવ્યો છે. આ સર્વે સેમ્પલની બૌદ્ધિક ક્ષમતા એટલકે IQ ચકાસવા માટે ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એકંદરે 1,41,583 પાર્ટિસિપન્સેલા ઓછામાં ઓછું એક કાર્ય પૂર્ણ કર્યું જ્યારે 1,12,964એ તમામ આઠ કાર્યો યોગ્ય રીતે કર્યા હતા.
કોરોનાનો ભોગ બનેલા લોકોની બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19નું ચેપનું સ્તર જે પ્રમાણે હતુ તે પ્રમાણે જ લોકોના IQમાં ઘટાડો થયો હતો. રિસર્ચસે જણાવ્યું કે જે લોકો મહામારીની શરૂઆતમાં કોરોનાના મૂળ વાયરસ એટલેકે B.1.1.7 વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા તેઓનું IQ લેવલ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સરખામણીમાં વધુ ઓછું રહ્યું હતુ. આ સિવાય જે લોકોએ રસી નહોતી લીધી તેમનું IQ બે કે તેથી વધુ રસી લેનાર લોકોના IQ કરતા ઘણું નીચું રહ્યું હતુ.
અભ્યાસનું તારણ શું છે?
રિસર્ચના નિષ્કર્ષમાં સંશોધકોએ કહ્યું કે, કોરોના વાયરસે સમગ્ર શરીરને અનેક રીતે મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. પોસ્ટ-કોવિડ બ્રેઈન ફોગથી લઈને જ્ઞાનાત્મક ઘટાડો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિકૃતિઓ પણ જોવા મળી રહી છે. એવું નથી કે હળવા લક્ષણો ધરાવતા લોકોને જોખમ નથી, કોરોના ચેપના કોઈપણ સ્તરે લોંગ કોવિડ જોખમો અને તેનાથી સંબંધિત અન્ય જોખમો વધાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
મેડિકલ એક્સપર્ટસનું કહેવું છે કે જો તમે કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા હોવ તો તમારે ડોક્ટરની સમયાંતરે સલાહ લેવી જોઈએ અને તમારા એકંદર આરોગ્યની તપાસ કરાવવી જ જોઈએ, જેથી સમયસર જોખમો શોધી શકાય અને સારવાર મેળવી શકાય.