દુનિયાના બીજા દેશોમાં રહેતા હમાસના આતંકીઓને મારવાનુ પ્લાનિંગ કરી રહી છે મોસાદઃ અમેરિકન અખબારનો દાવો
image : Social media
વોશિંગ્ટન,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કામચલાઉ યુધ્ધ વિરામ બાદ જંગ ફરી શરુ થઈ ગયો છે.
ઈઝરાયેલે હમાસ પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવીને શુક્રવારે ફરીથી હવાઈ હુમલા શરુ કરી દીધા છે. બીજી તરફ અમેરિકાના અખબારે ચોંકાવનારો દાવો કરતા કહ્યુ છે કે, ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ દુનિયાભરમાં હમાસના નેતાઓને મારવા માટે તૈયારી કરી રહી છે.
ઈઝરાયેલ દુશ્મનોને કોઈ પણ દેશમાં અવનવી રીત રસમ અપનાવીને મોતને ઘાટ ઉતારવા માટે નામચીન છે. દુનિયાને મોસાદના કારનામાની સારી પેઠે જાણકારી છે. એમ પણ ઈઝરાયેલ હમાસને ખતમ કરવાની જાહેરાત પહેલા પણ કરી ચુકયુ છે.
ઉલ્લેખનીય છે કે, 1972માં પેલેસ્ટાઈનના કુખ્યાત બ્લેક સપ્ટેમ્બર આતંકી સંગઠને જર્મનીના મ્યુનિક શહેરમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ટાણે ઈઝરાયેલના ખેલાડીઓનુ અપહરણ કર્યુ હતુ. તે વખતે થયેલી અથડામણ અને ખેલાડીઓને બચાવવા માટે જર્મન સેના તેમજ પોલીસના નિષ્ફળ ઓપરેશનમાં કુલ મળીને 11 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મોત થયા હતા. ઈઝરાયેલે તેનો બદલો લેવા માટે એક દાયકા સુધી દુનિયાના વિવિધ દેશોમાં બ્લેક સપ્ટેમ્બર સાથે સંકળાયેલા અને હુમલા માટે જવાબદાર સંખ્યાબંધ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.