ચીનમાં મસ્જિદ તોડી પડાઈ, વિરોધ કરનારા સામે સરકારની આકરી કાર્યવાહી
- યુન્ના પ્રાંતના નાગુ શહેરમાં મસ્જિદનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું
- ચીનીકરણના નામે ઉઈઘુર બાદ હવેે હુઈ મુસ્લિમોના પ્રતીકો અને ઓળખનો નાશ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ
બેઈજિંગ : ચીનના યુન્ના પ્રાંતમાં ૧૩મી સદીમાં બનેલી મસ્જિદ સરકારે તોડી પાડી હતી. બાંધકામ ગેરકાયદે હોવાનું કહીને સરકારે આ કાર્યવાહી કરી હતી. મસ્જિદ તોડી પાડયા બાદ એનો વિરોધ ઉઠયો હતો. વિરોધ પ્રદર્શનો કરનારા મુસ્લિમ સમૂદાય પર ચીની સરકારે આકરી કાર્યવાહી કરી હતી. મસ્જિદ તોડી પાડી તેનો વિરોધ કરનારાઓને ભાંગફોડિયા જાહેર કરીને સરેન્ડર થઈ જવાનો આદેશ કરાયો છે.
ચીનના યુન્ના પ્રાંતમાં આવેલા નાગુ શહેરમાં ૧૩મી સદીમાં મસ્જિદ બની હતી. ૧૦ હજાર વર્ગ ફૂટમાં બનેલી એ મસ્જિદને સરકારે તોડી પાડી હતી. મસ્જિદના ચાર મિનારા અને મુખ્ય ગૂંબજ તોડી પાડીને સરકારી નિવેદનમાં કહેવાયું હતું કે મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરનારા લોકો છ જૂન સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની સામે આકરી કાર્યવાહી થશે. સરકારી નિવેદન પ્રમાણે મસ્જિદ તોડી પાડવાનું કામ ચાલતું હતું ત્યારે કેટલાક ભાંગફોડિયા લોકો સરકારી કાર્યમાં વિઘ્ન નાખવા આવ્યા હતા. આ મસ્જિદનું બાંધકામ અયોગ્ય હતું એટલે તોડી પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિરોધ કરનારા તમામની પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવી હતી. સરકારે આને ક્રિમિનલ એક્ટ ગણીને કાર્યવાહીની ધમકી આપી હતી.
યુન્ના પ્રાંતમાં મોટી સંખ્યામાં હૂઈ મુસ્લિમો રહે છે. ૨૦૨૦ની વસતિ ગણતરી પ્રમાણે આ પ્રાંતમાં હુઈ મુસ્લિમોની સંખ્યા એક કરોડથી પણ વધુ છે અને આ સમુદાય એ પ્રાંતમાં બહુ જ શક્તિશાળી ગણાય છે. આ મસ્જિદ પણ આ સંપ્રદાયની જ હતી. ચીને હવે ચીનીકરણના નામે હુઈ મુસ્લિમો પર અત્યાચાર શરૂ કર્યો છે. અગાઉ ઉઈઘૂર મુસ્લિમો પર ચીનીકરણના નામે અને તેમને સભ્ય બનાવવાના નામે અત્યાચારો શરૂ કરાયા હતા. એ જ રીતે હવે હુઈ મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રતીકોનો નાશ કરવા માટે ચીની સરકારે આ કૃત્ય કર્યું છે. મસ્જિદો પર પણ ચીનની છાપ લાગવાનું શરૂ થયું છે. આ પ્રાંતમાં ૫૩૩ જેટલી મસ્જિદો હતી, એમાંથી એક દોઢ દશકામાં ૩૨ ટકા મસ્જિદો તોડી પાડવામાં આવી હોવાનો દાવો પણ અહેવાલોમાં થઈ રહ્યો છે. ચીનમાં ઉઈઘૂર અને હૂઈ મુસ્લિમોને ધાર્મિક ઓળખ ઓછામાં ઓછી રાખવાની તાકીદ કરવામાં આવે છે. ચીનીકરણના નામે ચીન લઘુમતીઓ પર વધુને વધુ અત્યાચારો કરે છે.