બ્રિટને યુક્રેનને મદદ કરતાં પુતિન ભડક્યા ! UKના રાજદૂતને રશિયામાંથી હાંકી કાઢવાનો લીધો નિર્ણય
Ukraine-Russia War : યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા લોહીયાળ યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટનના રાજદૂત સામે ગંભીર આક્ષેપો કરી દેશમાં હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજદૂતને જવાબ આપવા માટે સમન્સ પણ પાઠવાયું છે. એવું કહેવાય છે કે, રશિયાએ બ્રિટનના રાજદૂત પર જાસૂસીની આશંકા વ્યક્ત કરી આ પગલું ભર્યું છે. રશિયાની FBB સુરક્ષા સેવાને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, બ્રિટનના રાજદૂતે રશિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ગુપ્તચર અને વિસ્ફોટક પ્રવૃત્તિઓ બ્રિટનના રાજદૂતનો હાથ હોવાની આશંકા
તાસ સમાચાર એજન્સીના અહેવાલો મુજબ, ‘રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, બ્રિટિશ રાજદૂતને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.’ સરકારી સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ‘FSB સુરક્ષા સેવાએ એક નિવેદનમાં કહ્યું છે કે, બ્રિટનના રાજદૂતનો ગુપ્તચર અને વિસ્ફોટક પ્રવૃત્તિઓ હાથ હોવાની આશંકા છે. રાજદૂતે રશિયામાં પ્રવેશવાની પરવાનગી મેળવતી વખતે જાણી જોઈને ખોટી માહિતી આપી હતી. આ રશિયન કાયદાનું ઉલ્લંઘન છે.’ જોકે, આ મામલે બ્રિટિશ વિદેશ મંત્રાલય કે મોસ્કોમાં બ્રિટિશ એમ્બેસી તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
યુક્રેનના મદદ કરવા બદલ રશિયાના બ્રિટન સાથે સંબંધો બગડ્યા
નોંધનીય છે કે, વર્ષ 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદથી બ્રિટન (Britain) અને રશિયા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ગયા અઠવાડિયે જ બ્રિટને યુક્રેન પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, જેમાં યુક્રેન હવે રશિયા પર બ્રિટન તરફથી મળેલી સ્ટોર્મ શેડો મિસાઈલનો ઉપયોગ કરી શકે છે. બીજીતરફ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે રાજદૂતોને હાંકી કાઢવાનો નિર્ણય લેવો સામાન્ય બની ગયો છે.
આ વર્ષની શરૂઆતમાં બ્રિટિશ રાજદ્વારી કેપ્ટન એડ્રિયન કોગીલને રશિયા છોડવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. તો સામે બ્રિટને પણ જવાબ આપી, રશિયન અધિકારી પર લશ્કરી ગુપ્તચર અધિકારી તરીકે કથિત જાસૂસી કરવાનો આક્ષેપ કરી લંડનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.