Get The App

ઇઝરાયેલના લેબેનોન પર હવાઈ હુમલામાં 300થી વધુનાં મોત

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
ઇઝરાયેલના લેબેનોન પર હવાઈ હુમલામાં 300થી વધુનાં મોત 1 - image


- ગાઝા પછી હવે લેબેનોન કબ્રસ્તાન બનશે !

- ઇઝરાયેલે દક્ષિણના 17 ગામને અને આતંકવાદી સંગઠનના કેન્દ્ર બેક્કા વેલીને લક્ષ્યાંક બનાવી

બૈરૂત : ગાઝામાં ચાલતા યુદ્ધ પછી હવે ઇઝરાયેલે લેબનોનને પણ કબ્રસ્તાન બનાવવાનું નકકી કરી લીધું લાગે છે. ઇઝરાયેલે લેબનોનનમાં હીઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના ૩૦૦ ઠેકાણાઓ પર હુમલા કરતાં ૩૦૦થી વધુના મોત થયા છ અને ૬૦૦થી વધુ ઇજા પામ્યા છે. હીઝબુલ્લાહના ૩૦૦ સ્થળો પર મિસાઇલ અને રોકેટથી ૧૫૦ કરતાં પણ વધુ હુમલા કરવામાં આવ્યા છે. 

ઇઝરાયેલના લશ્કરે સોશિયલ મીડિયા સાઇટ પર તસ્વીર જારી કરતાં જણાવ્યું હતું કે લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ હર્જી હલેવી, તેલ અવીવ સ્થિત મુખ્ય ઓફિસમાંથી વધારાના હુમલા માટે મંજૂરી આપી રહ્યા છે.

લેબનોને ઇઝરાયેલી હુમલાની ઘાતકતા જોતાં સમગ્ર દેશમાં બે દિવસ માટે બધી સ્કૂલ કોલેજો બંધ કરી દીધી છે. ઇઝરાયેલે લેબનોનના દક્ષિણમાં હુમલા કરતાં ત્યાંના લગભગ ૧૭ ગામોના રહેવાસીઓને તે સ્થળ ખાલી કરવાની ચેતવણી આપી દીધી છે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે તેના હુમલાનો વ્યાપ વધી પણ શકે છે.

લશ્કરે જણાવ્યું હતું કે તેણે તેના હવાઈ હુમલા બેક્કા વેલીની સાથે લેબેનોનની પૂર્વી સરહદ સુધી વિસ્તાર્યા છે. હીઝબુલ્લાહ લાંબા સમયથી બેક્કા વેલીમાં હાજરી ધરાવે છે. આ સ્થળે આ ગ્રુપની સ્થાપના ૧૯૮૨માં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડની મદદથી કરવામાં આવી હતી. 

ઇઝરાયેલે હીઝબુલ્લાહના પ્રભુત્વવાળા લેબનોનના દરેક વિસ્તારમાંથી સામાન્ય રહેવાસીઓને હટી જવા હાકલ કરી છે. હીઝબુલ્લાહે પણ વળતા જવાબરૂપે ડઝનેક રોકેટ છોડયાનું જણાવ્યું છે.ઇઝરાયેલ સાઉથ લેબનોનના વિસ્તારની આકાશી સીમામાં ટૂંક સમયમાં તેનું પ્રભુત્વ સ્થાપી દે તેમ માનવામાં આવે છે. ગાઝાની જેમ લેબનોનની હોસ્પિટલો પણ હવે ઇજાગ્રસ્તોથી ભરાવવા માંડી છે. 

ઇઝરાયેલે હીઝબુલ્લાહ પર આરોપ મૂક્યો છે કે તેણે દક્ષિણ લેબનોનના આખા વિસ્તારના રહેવાસીઓએ આતંકવાદીઓ અથવા તો આતંકવાદીઓના સમર્થક બનાવી દીધા છે. 

લેબનોનના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમને લગભગ એક લાખ શંકાસ્પદ ઇઝરાયેલી કોલ મળ્યા છે. તેમા લોકોને તેમના ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.


Google NewsGoogle News