આફ્રિકન દેશ કોંગોમાં બોટ દુર્ઘટનામાં 150થી વધુનાં મોત, અનેક ગુમ
- સુરક્ષાના નિયમોની અવગણનાથી કરુણાંતિકા સર્જાઈ
- મહિલા બોટમાં રસોઈ બનાવતી હતી ત્યારે ચૂલાના તણખાથી આગ લાગ્યા બાદ નાસભાગ મચતા આખી બોટ ડૂબી ગઈ
નવી દિલ્હી : આફ્રિકામાં કોંગો દેશમાં કોંગો નદીમાં થયેલી બોટ દુર્ઘટનો આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં નાવ પલ્ટી ગઈ હતી.
આ નવા મતાનકુમુ બંદરેથી રવાના થઈ હતી અને બોલોંબો ક્ષેત્ર તરફ જઈ રહી હતી. નદી સુરક્ષા વિભાગના અધિકારી કોમ્પિટન્ટ લોયોકો મુજબ આ દુર્ઘટનાનો પ્રારંભ તે સમયે થયો જ્યારે એક મહિલા હોડી પર ખાવાનું બનાવી રહી હતી.આ દરમિયાન ચૂલામાંથી નીકળેલી ચિનગારીએ આગનું સ્વરૂપ લીધું. તેના પછી આ આગ આખી નાવમાં ફેલાતા દુર્ઘટના સર્જાઈ હતી. કેટલાય લોકો સળગીને મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે.
આ ભયાનક દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.તેમા દેખાઈ રહ્યું છે કે પ્રવાસીઓ કૂદીને પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બોટમાં લગભગ ૫૦૦ લોકો સવાર હોવાનું કહેવાય છે. આગ લાગતા અંધાધૂંધી ફેલાઈ હતી. કેટલાય લોકોએ જીવ બચાવવા નદીમાં છલાંગ લગાવી હતી, છલાંગ લગાવનારા મોટાભાગના લોકોને નદીમાં તરતા આવડતું ન હતું. તેના કારણે ડૂબીને પણ કેટલાય ડઝન લોકો માર્યા ગયા છે.
હજી સુધી કેટલાય અસરગ્રસ્તોને કોઈ મેડિકલ કે માનવીય સહાયતા મળી નથી. લગભગ ૧૦૦ લોકોને મબાંડાકાના સ્થાનિક ટાઉન હોલમાં બનાવવામાં આવેલા શિબિરમાં રાખવામાં આવ્યા છે. પણ દુર્ઘટનાની તુલનાએ આ સગવડ ઘણી ઓછી છે. અહીં સંસાધનોને ભારે કમી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હજી સુધી મૃતકો માટે વળતરની કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.
કોંગો જેવા દેશમાં માર્ગ પરિવહનની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી ત્યાં નદીમાં મુસાફરી ઘણી સામાન્ય માનવામાં આવે છે, પણ બોટની ખરાબ સ્થિતિ અને બોટ પર જરૂર કરતાં વધારે લોકો સુરક્ષાના નિયમોની અવગણના કરે છે. તેના કારણે આ પ્રકારની દુર્ઘટનાને આમંત્રણ મળે છે. છેલ્લા કેટલાય વર્ષોમાં આવી ઘણી દુર્ઘટનાઓ સામે આવી છે, તેમા કેટલાય લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આમ છતાં સરકાર બોટ સાથે સંકળાયેલા સુરક્ષા નિયમોનો ચુસ્ત રીતે અમલ કરવામાં નિષ્ફળ રહી છે.
કોંગો રિવર આફ્રિકાના મહાદ્વીપની બીજા નંબરની સૌથી મોટી નદી છે. આ નદી મધ્ય આફ્રિકામાં થઈને વહે છે. તેનો મોટાભાગનો હિસ્સો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલો છે.