દુનિયાના વિવિધ દેશોમાં 14000 પાકિસ્તાનીઓ જેલની હવા ખાઈ રહ્યા છે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
દુનિયાના વિવિધ દેશોમાં 14000 પાકિસ્તાનીઓ જેલની હવા ખાઈ રહ્યા છે 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર

પાકિસ્તાનની હાલત ખરાબ છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાના થઈ રહેલા ધજાગરા વચ્ચે પાકિસ્તાનના લોકો કાયદેસર રીતે અથવા ગેરકાયદેસર રીતે પણ દેશ છોડવા માંગે છે. 

જેના કારણે હવે દુનિયાની જેલોમાં પૂરાયેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની જેલોમાં 14000 પાકિસ્તાનીઓ છે. પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે આ આંકડો એ વાતનો પૂરાવો છે કે, પાકિસ્તાનીઓ વિદેશોના જટીલ કાયદાઓમાં ફસાઈ રહ્યા છે અને તેના કારણે માનવાધિકારના પડકારો પણ સર્જાયા છે. 

જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, આ પૈકીના  58 ટકા પાકિસ્તાનીઓ યુએઈ અને સાઉદી અરબની જેલોમાં બંધ છે અને તેમના પર નશીલી દવાઓ અને ડ્રગ્સના આરોપ લાગેલા છે. 2010 થી 2023 સુધીમાં 183 પાકિસ્તાનીઓને અહીંયા મોતની સજા અપાઈ છે. 

આ આંકડા જાહેર કરનાર જસ્ટિસ પ્રોજેકટ પાકિસ્તાન સંસ્થા વકીલોનો એક સમૂહ છે અને તે દેશ વિદેશમાં પાકિસ્તાની કેદીઓને કાનૂની સહાય પૂરી પાડે છે. અહેવાલમાં કહેવાયુ છે કે, એકલા યુએઈમાં જ અલગ અલગ આરોપસર 5292 પાકિસ્તાનીઓ જેલોમાં પૂરાયેલા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાન અને યુએઈ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે પણ મોટાભાગના પાકિસ્તાનીઓની કાયદાકિય અધિકારો સુધી પહોંચ નથી. 

આ સિવાય સાઉદી અરબની જેલોમાં 3100 પાકિસ્તાની નાગરિકો છે. આ પૈકીના 691 સામે ડ્રગ્સની હેરફેરના, 180 સામે ચોરી તેમજ લૂંટના, 21 સામે રોડ એક્સિડન્ટના આરોપ છે. 58 પાકિસ્તાનીઓ સામે નાણાકીય ગોટાળાના આરોપ લાગેલા છે. 2023માં સાઉદી અરબે ચાર પાકિસ્તાનીઓે મોતની સજા પણ આપી છે. 

ગ્રીસમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા 811 પાકિસ્તાનીઓ જેલના સળિયા ગણી રહ્યા છે. જ્યારે 683 પાકિસ્તાનીઓ ભારતની જેલોમાં પૂરાયેલા છે. ઈરાકમાં 672 , ઈટાલીમાં 586 પાકિસ્તાનીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. 


Google NewsGoogle News